

વાંકાનેર શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્સરી ચોકડી પાસે ત્રાટકી હતી. અહીં એક મંડપ નીચે ટેબલ-ખુરશી નાખીને પાડધરાથી નર્સરી ચોકડી તરફના રોડ પર લોકોની ભીડ ભેગી કરી ગેરકાયદેસર રીતે ઇનામી યોજનાની ટિકિટોનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કોઈપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર આ લોભામણી સ્કીમ ચલાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે લાકડધાર ગામના સના હરજીભાઈ મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ‘જય શ્રી મેલડી માતાજી નવનિર્માણ મંદિર’ ના લાભાર્થે આયોજિત લક્કી ડ્રોની અનેક ટિકિટ બુકો, ડાયરીઓ, બેનરો અને સ્ટીકરો મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે રૂ. ૩૪૯ અને રૂ. ૩૯૯ જેવી રકમ લઈને લોકોને મોંઘા ઇનામોની લાલચ આપી છેતરવામાં આવી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટિકિટ બુક અને અન્ય સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે.
આ મામલે પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા આયોજકો તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાન પંથકના અનેક શખ્સોના નામો સામે આવ્યા છે. આ આયોજકોએ મંદિરના નામે લોકોની લાગણી દુભાય તે રીતે અને આર્થિક ફાયદો મેળવવા માટે આખું નેટવર્ક ઊભું કર્યું હતું. હાલ પોલીસે મુખ્ય વિક્રેતાની અટકાયત કરી છે અને લક્કી ડ્રોના નામે છેતરપિંડી આચરતા સુરેન્દ્રનગરના આયોજકો જુગાભાઇ, સુરાભાઇ, રમેશભાઇ, શિવાભાઇ, વિપુલભાઇ, પ્રવિણભાઇ, મેરાભાઇ અને વિષ્ણુભાઇ તથા શ્રી મેલડીમા ગ્રુપ આણંદપરના આયોજકો ભરત ડાભી, ભરત વાઘેલા, મહિપત ડાભી અને રોહિત વાઘેલાને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

