

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા નાની વાવડી વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે પાર્ક વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1.30 કરોડ થશે. શહેરના હરિત વિકાસ અને નાગરિકોને ઉત્તમ જાહેર સુવિધાઓ પ્રદાન કરવા હેતુસર આ કામગીરી અમલમાં મૂકવામાં આવી છે. આ પાર્ક વિકાસ થી આ વિસ્તારના રહેવાસીઓને આરામદાયક બેઠક વ્યવસ્થા, જોગિંગ ટ્રેક,ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ થી સજ્જ રમણીય વાતાવરણ ધરાવતું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું માળખું મળી રહેશે.
મોરબી મહાનગર પાલિકા દ્વારા નાની વાવડી પ્રોજેક્ટ અંતર્ગત વ્યાપક લેન્ડસ્કેપિંગ અને પ્લાન્ટેશન હાથ ધરવામાં આવનાર છે. આહી વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેમાં, નીમ, ગુલમોહર, ચંપા અને સપ્તપર્ણી જેવા આશરે ૨૦૦૦ થી ૨૧૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. ઉપરાંત હિબિસ્કસ, જાસુદ, ઇક્સોરા અને ડ્રાસીના જેવા ઝાડીઓ ૨ થી ૩ છોડ પ્રતિ ચોરસ મીટર ઘનતાથી રોપવામાં આવશે. ગ્રાઉન્ડ કવર તરીકે રોયો અને સિટ્રોનેલા (મચ્છર નિયંત્રણ માટે) વાવવામાં આવશે, જેથી પર્યાવરણને પણ સ્વચ્છ સુદ્રઢ અને રાખી શકાય.
પાર્કમાં નગરજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત રેડ સૅન્ડ/પેવર આધારિત વૉકિંગ અને જોગિંગ ટ્રૅકનું નિર્માણ, બેઠક વ્યવસ્થા સાથે પર્ગોલા, રેઇનવોટર હાર્વેસ્ટિંગ પિટ્સ, બોરવેલ/વોટર ટૅન્ક સાથે ડ્રિપ સિંચાઈ પ્રણાલી તેમજ સોલાર પાવર આધારિત સ્ટ્રીટલાઇટ્સની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. આ તમામ સુવિધાઓ પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે તે મુજબ આધુનિક ઢબે બનાવવામાં આવનાર છે.
નાની વાવડીમાં આકાર લેનાર પાર્કમાં નાગરિક સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે, જેમાં શહેરના નાગરિકો માટે બાળકો માટે વિશેષ પ્લે એરિયા, ખુલ્લી હવામાં ધ્યાન/યોગ માટે પ્લાઝા તથા માહિતી દર્શાવતા અને પર્યાવરણ જાગૃતિ વધારતા સૂચના બોર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાની વાવડી વિસ્તાર તેમજ સમગ્ર મોરબી શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને આરોગ્યપ્રદ જાહેર સ્થળ પ્રાપ્ત થશે, તેમ મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખાની એક યાદીમાં જણવવામાં આવ્યું છે.

