આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર ૨૫ ઓક્ટોબર સુધીમાં નાની અને મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબી જિલ્લાના બાગાયતદારો માટે મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર યોજના હેઠળ મોટી નર્સરી માટે રૂ. ૨૪ લાખ અને નાની નર્સરી માટે રૂ. ૮ લાખ સુધીની સહાય મળવાપાત્ર

 

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેતીને પ્રોત્સાહન પૂરું પાડવા અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને તે હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેન્દ્ર પુરસ્કૃત ‘મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર – નેશનલ હોર્ટીકલ્ચર મિશન’ અંતર્ગત વિશેષ સહાયલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નાની નર્સરી (૦.૪ થી ૧ હેક્ટર) તેમજ મોટી નર્સરી (૧ થી ૨ હેક્ટર) ના ઘટકો માટે બાગાયતદાર ખેડૂતો લાભ મેળવી શકે તે માટે તા.૨૫/૧૦/૨૦૨૬ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

 

આ યોજના અંતર્ગત મોટી નર્સરી (૧ થી ૨ હે.) માટે કુલ ખર્ચના ૪૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨૪ લાખ સુધીની અને નાની નર્સરી (૦.૪ થી ૧ હે.) માટે ખર્ચના ૪૦ ટકા લેખે મહત્તમ રૂ. ૮ લાખ સુધીની સહાય પ્રો-રેટા મુજબ સહાય મળવાપાત્ર રહેશે. યોજનાનો લાભ લેવા ઇચ્છુક બાગાયતદાર ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ પર નોંધણી કરીને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સાચવવાની રહેશે.

 

મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની ‘નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ખાતે સબમિટ કરાવવાના રહેશે. મોરબી જિલ્લાના મહત્તમ બાગાયતદાર ખેડૂતોને આ આધુનિક નર્સરી સહાય યોજનાનો વ્યાપક લાભ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.