મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એલ.સી.-31 આર.ઓ.બી.ના પિયરની ગુણવત્તા બાબતે કડક કાર્યવાહી

મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને જાહેર સલામતી અને બાંધકામની ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોરબી ખાતે ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના બાંધકામ દરમિયાન ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તે માટે વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

બાંધકામની ચાલી રહેલી નિયમિત તકનીકી તપાસ દરમિયાન વિભાગના ધ્યાને આવ્યું હતું કે, એલ.સી.-૩૧ રેલવે ઓવરબ્રિજના એક પિયરની એક લિફ્ટ નિર્ધારિત સામર્થ્યના ધોરણો મુજબ બનેલી નથી. આ ગંભીર બેદરકારી સામે આવતા જ માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને આ પિયર સંપૂર્ણપણે તોડી પાડીને દૂર કરવા અને મંજૂર થયેલી ડિઝાઇન તેમજ ટેક્નિકલ સ્પેસિફિકેશન મુજબ પોતાના ખર્ચે નવેસરથી મજબૂત પિયર બનાવવા માટે તાત્કાલિક આદેશ જારી કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણો મુજબ ન બનેલા આ પિલરને તોડી પાડવાની કામગીરી હાલ સ્થળ પર ચાલુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બાંધકામની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કે સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી ખામી જણાશે તો કડક સુધારાત્મક પગલાં ભરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.