


વિદેશ મંત્રાલયની લોકઉપયોગી પહેલ અંતર્ગત પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ વહેલી તકે અને સરળતાથી ઉપલબ્ધ થાય તેમજ પાસપોર્ટ સબમિશનની સેવાઓ નાગરિકોને ઘરઆંગણે જ મળી રહે તે હેતુસર પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ દ્વારા મોરબી જિલ્લામાં વિશેષ ‘પાસપોર્ટ સેવા મોબાઇલ વાન’ ની સુવિધા શરૂ કરવામાં આવી છે. મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી જિલ્લા સેવા સદન ખાતેના જિલ્લા ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટર (DEOC) બિલ્ડિંગ ખાતે આજથી આ મોબાઇલ વાન સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે, જેને મોરબી જિલ્લાના અરજદારો તરફથી ખૂબ જ સાર પ્રતિસાદ મળી રહ્યો છે.
આ આગવી સુવિધા અંગે વિગતવાર માહિતી આપતા ડિઝાસ્ટર મામલતદાર અલ્પેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી તા. ૧૬ ઓક્ટોબર સુધી આ મોબાઇલ વાન કાર્યરત રહેશે. જેના અરજદારો નવા પાસપોર્ટ કઢાવવા, પાસપોર્ટ રીન્યુ કરવા કે નામ અથવા સરનામામાં ફેરફાર જેવા સુધારા કરવામાં આવી રહ્યા છે. ઇચ્છુક અરજદારો પાસપોર્ટ સેવા મોબાઇલ વાન પર પોતાની પાસપોર્ટ અરજી સબમિટ કરવા માટે નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે અથવા અગાઉથી બુક કરાવેલી એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ પણ કરી શકશે. આ સેવાનો વધુને વધુ લાભ લેવા તેમણે મોરબી જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો.
પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદના અધિકારી એ જણાવ્યું હતું કે, અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પાસપોર્ટ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ (www.passportindia.gov.in) પર જઈને NORMAL કેટેગરી હેઠળ અરજી સબમિટ કરી ફી ભરવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટ પર ફરી લોગ ઇન કરી પેમેન્ટ સ્ટેટસ ચકાસીને ‘Schedule Appointment’ પેજ પર લોકેશન તરીકે ‘Mobile Van Morbi’ પસંદ કરી પોતાની અનુકૂળતા મુજબ એપોઇન્ટમેન્ટ બુક કરવાની રહેશે. અરજી સબમિટ કરવા આવતી વખતે અરજદારોએ તમામ જરૂરી અસલ દસ્તાવેજો તથા તેની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે રાખવાની રહેશે.
દસ્તાવેજોની વિસ્તૃત માહિતી વેબસાઇટના ‘Documents Advisory’ વિભાગમાંથી મેળવી શકાશે. હજુ બે દિવસ ઘરઆંગણે ઉપલબ્ધ બનેલી આ મહત્વપૂર્ણ સેવાનો લાભ મોરબી જિલ્લાના મહત્તમ નાગરિકો લે તેવા અનુરોધ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

