


સામાજિક એકતા, સમરસતા અને સેવાભાવના ઉમદા સંદેશ સાથે હળવદના શક્તિનગર ખાતે આવેલા શ્રી રામદેવપીર મંદિર શ્રી નકલંક ગુરુધામ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬, બુધવારના રોજ દશેરાના પાવન અવસરે યોજાનારા આ સવૅ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી નકલંક ગુરુધામ સર્વ જ્ઞાતિ સેવા સમિતિ તેમજ ભક્ત મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ પ્રસંગે સમૂહ લગ્ન દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . આ શુભ અવસરે નવદંપતીઓને આશીર્વાદ આપવા તેમજ કાર્યક્રમમાં સહભાગી બનવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સવારે ધાર્મિક વિધિઓ સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. સવારે ૬:૦૦ કલાકે જાનનું આગમન, ૬:૧૫ કલાકે ચા-નાસ્તો, ૬:૩૦ કલાકે ગણેશ સ્થાપના અને સવારે ૭:૦૦ કલાકે લગ્ન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સવારે ૮:૩૦ કલાકે હસ્તમેળાપની વિધિ યોજાશે.
સવારે ૧૦:૩૦ કલાકે શ્રી નકલંક ગુરુધામના ગાદીના ભક્ત પરિવાર દ્વારા અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ પ્રવક્તા તરીકે નિમણૂક બદલ વિશેષ સન્માન કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે આશીર્વચન અને સન્માન સમારોહ, બપોરે ૧૨:૦૦ કલાકે ભોજન સમારંભ તથા બપોરે ૧:૦૦ કલાકે કન્યા વિદાયનો કાર્યક્રમ યોજાશે. સામાજિક સમરસતા અને સેવાકાર્યનો ઉમદા સંદેશ ,સમૂહ લગ્નોત્સવ સામાજિક એકતા અને પરસ્પર સહયોગનું પ્રતીક છે. લગ્નપ્રસંગે થનારા બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરી જરૂરિયાતમંદ પરિવારોને સહયોગ આપવાની ભાવનાને આવા આયોજનો બળ પૂરું પાડે છે. ધાર્મિક આસ્થા સાથે સમાજસેવાના હેતુને જોડતા આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક સમિતિ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
શ્રી નકલંક ગુરુધામ ના મહંત દલસુખરામ મહારાજ તથા સર્વ જ્ઞાતિ સેવા સમિતિ તેમજ ભક્ત મંડળ દ્વારા તમામ સમાજના આગેવાનો, સંતો-મહંતો, દાતાશ્રીઓ અને નગરજનોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ: શ્રી રામદેવપીર મંદિર, શ્રી નકલંક ગુરુધામ, શક્તિનગર, હળવદ, અમદાવાદ-કચ્છ હાઈવે, તા. હળવદ, જિ. મોરબી. તારીખ: બુધવાર, તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ (દશેરા).
આયોજક: શ્રી નકલંક ગુરુધામ સર્વ જ્ઞાતિ સેવા સમિતિ તથા ભક્ત મંડળ.
મયુર રાવલ હળવદ