

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડબીલ કે બેનર્સમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વિગતો કે ચારીત્ર્ય ખંડન જેવી બાબતો ન છપાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે.
આ હુકમ અનુસાર, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા મુદ્રક (પ્રેસ) અને પ્રકાશકના નામ, સરનામા અને ફોન નંબર દર્શાવ્યા વિના તેમજ છાપેલી નકલોની સંખ્યા ઉલ્લેખ કર્યા વગર ચૂંટણીલક્ષી સામગ્રી પ્રસિદ્ધ કરી શકશે નહીં. વધુમાં, હોર્ડિંગ્સની સાઈઝ ૧૫ ફૂટ બાય ૮ ફૂટથી વધુ અને કટ-આઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધારે ન હોવી જોઈએ તેવું પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. કોઈપણ મુદ્રકે પ્રકાશક પાસેથી બે સાક્ષીઓની સહી ધરાવતા ઓળખ અંગેના એકરારનામાની બે નકલો મેળવ્યા બાદ જ છાપકામ કરવાનું રહેશે. છાપકામ પૂર્ણ થયાના ત્રણ દિવસની અંદર આ એકરારપત્ર (જોડાણ-ક અને ખ) અને સાત દિવસમાં છાપેલી સામગ્રીની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલવાની રહેશે.
આ જોગવાઈઓનો ઉદ્દેશ્ય ધર્મ, જ્ઞાતિ કે ભાષાના આધારે થતા નકારાત્મક પ્રચારને રોકવાનો અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવાનો છે. આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં અમલી રહેશે અને જો કોઈ મુદ્રક કે પ્રકાશક આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.


