

વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાને લઈ સરકારશ્રીએ ધોરણ 1- માં પ્રવેશ લેતાં બાળકો માટેનો પ્રવેશોત્સવ કાર્યક્રમ 2021 સદંતર બંધ રાખ્યો છે.શાળા બંધ છે પણ શિક્ષણ તો અવિરત ચાલુ જ છે. ઘરે જઈને શિક્ષણ, ફળિયા શિક્ષણ કે ઓનલાઇન શિક્ષણ બાળકોને શિક્ષકો દ્વારા પીરસાઈ રહ્યું છે.
ધોરણ 2 થી 8 ના બાળકો આ પ્રમાણે શિક્ષણ મેળવે છે બરાબર ને ? પરંતુ ધોરણ 1- માં નવો પ્રવેશ લેતા બાળકો શિક્ષણ શું છે ? શાળા એટલે શું ? શિક્ષકો કેવા હોય ? આ બધાથી તદ્દન અપરિચિત હોય ખરું ને? આપણે મોટેરાઓ માટે પણ અજાણી પરિસ્થિતિ મનમાં ડર પેદા કરનારી હોય છે. ખરું ને? તો આ નાના ભૂલકાઓને શાળા, શાળાના શિક્ષકો અને શિક્ષણ વિશે માહિતગાર કરવા હોય તો કોઈ નાનકડો ઉત્સવ ઊજવવો પડે; પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં એ શક્ય ન હોવાથી શાળા પરિવારના સભ્યો તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યોનો સાથ લઈ લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા પીપલીયા જીવતીબેને ઘરે ઘરે જઈ બાળકોને કુમકુમ તિલક, ગુલાબનું ફૂલ, શૈક્ષણિક કીટ, બાળકોને ભાવતી ખૂબ બધી ચોકલેટ અને પર્યાવરણને શુદ્ધ કરતી ઔષધી તુલસીનો છોડ આપી બાળકોને શિક્ષણ પ્રત્યે આકર્ષિત કર્યાં તેમજ મોં મીઠું કરાવ્યું. વાલી અને બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવા માટે બાળકોના હાથે તુલસીના રોપાને રોપાવવાનો નવતર પ્રયોગ હાથ ધરી બાળકોને શાળામાં નવો પ્રવેશ આપ્યો.
કહેવાય છે ને નવતર પ્રયાસ હાથ ધરવા એક કદમ આગળ ધપનારની સાથે હજારો કદમ આપમેળે જોડાઈ જતા હોય છે. તારીખ 20 જૂન “ફાધર્સ ડે” ના દિવસે બાળકોને ઘરે બેઠાં શાળામાં પ્રવેશ આપવાની વાત આવી ત્યારે શાળા પરિવાર, એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યો પણ જોડાયા. એસ.એમ.સી.ના અધ્યક્ષ ભાવેશભાઈ લક્ષ્મણભાઈ બોડા તરફથી શૈક્ષણિક કીટ અને ચોકલેટના પેકિંગ દાનમાં મળ્યાં. પ્રથમ વરસાદના વરસાદી માહોલમાં,મંદ મંદ સમીરની મીઠી લહેરખીએ બાલ દેવોને સ્નેહનો સ્પર્શ આપી શાળા બંધ છે;પરંતુ તમારુ શાળામાં આગમન થઈ ચૂકયું છે નો ખ્યાલ આપવાનો નવતર પ્રયાસ હાથ ધરાયો.


