મોરબીમાં નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને બંદર વિકાસ-નિકાસલક્ષી બેઠક યોજાઈ

 

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બાબતને ધ્યાને રાખી નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે સોલ્ટ એસોસિએશન અને વહાણવટી ફેડરેશનના પ્રતિનિધિઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંદરોના આધુનિકીકરણ, પરિવહન સુવિધા અને નિકાસમાં નડતા પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકારના હકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સોલ્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા નવલખી બંદર પર કોલસાના હેન્ડલિંગના કારણે મીઠાની ગુણવત્તા પર થતી અસરો અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નના નિવારણ માટે અને મીઠાના પરિવહનને વધુ સુગમ બનાવવા માટે ‘બગસરા જેટી/બંદર’ વિકસાવવાની માંગણી પર ચેરમેનએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. મોરબી મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ આ અંગેની સત્તાવાર પ્રપોઝલ વડી કચેરીએ મોકલવાની ખાતરી આપી હતી, જે ભવિષ્યમાં મોરબીના મીઠા ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

લાકડાના વહાણ બનાવવાની વર્ષો જૂની અને ભવ્ય વિરાસત સમાન કળા સાથે સંકળાયેલા વહાણવટી ફેડરેશનના પ્રતિનિધિઓએ આ કળાના અસ્તિત્વ અને વિકાસ માટે જરૂરી પ્રોત્સાહનની માંગ તથા સલાયા બંદર ખાતે હાલમાં ઉદ્ભવેલા ઇમિગ્રેશન (આગમન-નિર્ગમન) સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરી હતી. ચેરમેનશ્રીએ આ હેરિટેજ કળાના મહત્વને સ્વીકારી, તેના વિકાસ, સંવર્ધન અને કસબીઓને પ્રોત્સાહન પૂરું પાડવા બાબતે ગહન વિચારણા કરી હતી. આ કળા જીવંત રહે તે માટે તેને આધુનિક શિપિંગ ઉદ્યોગ સાથે કેવી રીતે સાંકળી શકાય તે દિશામાં હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.

મોરબીના નવલખી બંદરથી કચ્છના કંડલા પોર્ટ સુધીના અંતરને ઘટાડવા માટે દરિયાઈ માર્ગ/બ્રિજ વિકસાવવાના પ્રોજેક્ટની સંભાવનાઓ પર પણ ટેકનિકલ ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેનશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં કોસ્ટલ શિપિંગ માટે કરવામાં આવેલી ખાસ જોગવાઈ અને સાગરમાલા પ્રોજેક્ટ સહિતના ક્રાંતિકારી પગલાંઓ અંતર્ગત ગુજરાતના બંદરો વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ થઈ રહ્યા છે.

 

Leave A Reply

Your email address will not be published.