

મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષક ચાલુ ક્લાસમાં દારૂ પીતા ઝડપાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આંદરણા ગામની સરકારી શાળા નં. A-01માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ખીમજીભાઈ પરમાર પર ગંભીર આક્ષેપો થયા છે. મળતી માહિતી મુજબ, આ શિક્ષક ક્લાસરૂમમાં બાળકોને ભણાવતી વખતે જ દારૂના પેગ ભરીને નશામાં ચકચૂર બની ગયા હતા. માસૂમ બાળકોએ જ્યારે શિક્ષકની આ હરકત જોઈ, ત્યારે તેમણે તુરંત પોતાના વાલીઓને આ અંગે જાણ કરી હતી.
બાળકોની ફરિયાદ સાંભળી નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ સંઘાણી અને ગામના આગેવાન નિતેશભાઈ ચાવડા તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. ત્યાં શિક્ષક નશાની હાલતમાં મળી આવતા તેમણે પુરાવા તરીકે વીડિયો ઉતારી પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ નશેબાજ શિક્ષક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી 500 મિલી વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે અને નિતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


