મોરબીમાં પી.એમ. સ્વનિધિ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કેમ્પમાં ૨૯ લાભાર્થીઓની લોન અરજીઓ મંજૂર, ૧૫ ફેરિયાઓને લોન વિતરણ

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પી.એમ.સ્વનિધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજનાનો વધુમાં વધુ લાભ મળી રહે તે હેતુથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની સાવસર પ્લોટ બ્રાન્ચ ખાતે વિશેષ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં શહેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ લોન મેળવવા માટેની અરજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન કુલ ૨૯ લાભાર્થીઓની લોન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે ૧૫ લાભાર્થીઓને લોનની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પી.એમ. સ્વનિધિ યોજના શહેરી ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડી તેમના નાના વ્યવસાયને આગળ વધારવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ યોજનાના વધુમાં વધુ લાભાર્થીઓને આવરી લેવા તથા તેમને બેંક ધિરાણની સુવિધા સરળતાથી મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી ફેરિયાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

Leave A Reply

Your email address will not be published.