

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલા રોલેક્ષ સ્પ્રે ડાયર કારખાનામાં આશરે એકાદ મહિના પહેલા થયેલી કેબલ વાયરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરીને આ ચોરીમાં સંકળાયેલા બે શખ્સોને ચોરી કરેલા કેબલ વાયર સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ, જાંબુડીયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સ્પ્રે ડાયર નામના માર્બલ કટીંગના કારખાનામાંથી ગત જુલાઈ મહિનાની શરૂઆતમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી ચાલુ લાઇનના કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા બાતમીદારો અને ટેકનીકલ માધ્યમોની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે જાંબુડીયા ખાતે રહેતા વિજય અજયભાઈ ભરવાડીયા સલાટ (ઉ.વ. ૨૦) અને રફાળેશ્વર મચ્છુનગર ખાતે રહેતા ઘેલો જમાલભાઈ ભરવાડીયા (ઉ.વ. ૨૧) નામના બે ઇસમોએ આ ચોરી આચરી છે અને ચોરાયેલ માલ વિજયના ઘરે રાખી તેને વેચવાની તૈયારી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને ઇસમોને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછમાં ગુનાની કબૂલાત મળતા પોલીસે તેમની પાસેથી આશરે ૮૦ મીટર જેટલો ઇલેક્ટ્રિક કેબલ વાયર, જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ થાય છે, તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.