

હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વીજ કરંટ લાગવાથી એક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. પોતાની વાડીએ બોરની મોટર ચાલુ ન થતા તેનું રીપેરીંગ કરી રહેલા હર્ષદભાઈ ખાવડીયાને અચાનક વીજ વાયરનો જોરદાર ઝટકો લાગતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી તપાસ હાથ ધરી છે.


બનાવની વિગતો મુજબ, મૂળ નવા રાતાભેર ગામના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા (ઉ.વ. ૪૭) ડુંગરપુર ગામની સીમમાં ‘વગડીયા’ તરીકે ઓળખાતી પોતાની વાડીએ ગયા હતા. ત્યાં બોરની ઇલેક્ટ્રિક મોટર ચાલુ ન થતી હોવાથી તેઓ ઓરડીની પાછળ કેબલ ચેક કરી રહ્યા હતા. રીપેરીંગ દરમિયાન અચાનક તેમને જોરદાર શોર્ટ લાગ્યો હતો. આ ઘટનામાં હર્ષદભાઈનું મોત થતા હળવદ પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી છે.