બાળકોને વૈભવી કારમાં સહેલગાહ અને ભોજન કરાવી વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી

 

પાશ્ચાત્ય સંસ્કૃતિના તહેવાર વેલેન્ટાઈન ડે એ પ્રેમની અભિવ્યક્તિના નામે વ્યાપારીકરણ અને નર્યો દેખાડો જ કરાતો હોવાથી ખરેખર પ્રેમમાં ત્યાગ અને સમર્પણની ભાવના હોય એટલે પોતે નહિ બીજાની ખુશીમાં જ ખુશ થવાના ભારતીય મૂલ્યને ઉજાગર કરવા માટે મોરબીના ક્રાંતિકારી વિચારોનું અનુસરણ કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વેલેન્ટાઈન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી શાળાના સામાન્ય તથા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરની સહેલગાહ કરાવી ભાવતા ભોજનીયા કરાવીને અને આ બાળકોને ભરપૂર આનંદ કરાવી ખરેખર બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાની મૂળ ભારતીય સંસ્કૃતિની ભાવનાને ઉજાગર કરી હતી.

 

મોરબીમાં ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યોને જીવંત રાખતું એક પ્રેરણાદાયી ઉદાહરણ યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપે વેલેન્ટાઈન ડેને “વાત્સલ્ય દિવસ” તરીકે ઉજવી સમાજને પ્રેમનો સાચો અર્થ સમજાવ્યો હતો. જેમાં વાત્સલ્ય દિવસ કાર્યક્રમ હેઠળ સરકારી શાળાઓમાં ભણતા સામાન્ય તથા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને શહેરભરમાં વૈભવી કારોમાં ફરવાની યાદગાર અનુભૂતિ કરાવવામાં આવી. મોરબીના વિવિધ ઉદ્યોગકારો અને દાતાઓના સહયોગથી લગભગ 50 જેટલી લક્ઝુરિયસ કારો આ સેવાકાર્યમાં જોડાઈ હતી. બાળકો માટે મોંઘી કારોમાં બેસી ફરવું માત્ર એક સફર નહોતું, પરંતુ જીવનભર યાદ રહે તેવી ખુશીની ક્ષણ બની ગઈ હતી.

 

આ આનંદયાત્રાનું પ્રસ્થાન શનાળા રોડ સ્થિત સ્કાય મોલ પાસેથી કરવામાં આવ્યું હતું. કારોના સનરૂફમાંથી હાથ લહેરાવતા અને હર્ષભેર કિલકારીઓ કરતા બાળકો સમગ્ર માર્ગ પર ખુશીનું વાતાવરણ સર્જી રહ્યા હતા. તેમના ચહેરા પર દેખાતા નિખાલસ સ્મિતે વાત્સલ્ય દિવસની ઉજવણીના મૂળ ભાવાર્થને ઉજાગર કર્યો હતો. આ અદભુત જૉય રાઈડ બાદ બાળકોને શહેરની પ્રતિષ્ઠિત હોટલમાં લઈ જઈને પ્રેમપૂર્વક મનપસંદ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ભોજન વ્યવસ્થા નિર્શિવ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવી હતી. જેમાં અવનવી ચટપટી સ્વાદિષ્ટ વાનગીઓ સાથેના ભાવતા ભોજનીયા માણીને બાળકો ધન્ય બની ગયા હતા. બાળકોએ ભાગ્યે જ આવી અંતરથી ખુશી માણી હોય આજનો આ અવસર તેમના માટે અવિસ્મરણીય બની ગયો હતો. આથી શહેરમાં વૈભવી કારમાં ઘુમતી વખતે બાળકોએ હર્ષનાદની ચિચિયારીઓ કરીને એકદમ નિર્દોષ આનંદ વ્યક્ત કર્યો હતો.

 

આ પ્રસંગે યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી એ જણાવ્યું હતું કે, “પ્રેમનો સાચો અર્થ દેખાવમાં નહીં પરંતુ સંવેદનામાં છે. જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ઉજવણી છે. યંગ ઈન્ડિયા ગ્રુપનો પ્રયત્ન છે કે, સમાજમાં માનવતા, સહાનુભૂતિ અને સંસ્કારનું બીજ વાવીએ, જેથી આવતી પેઢી વધુ સંવેદનશીલ બને.” આ સમગ્ર કાર્યક્રમ મોરબી શહેર માટે માત્ર એક ઉજવણી નહીં, પરંતુ સમાજને મૂલ્યઆધારિત દિશા આપતો સંદેશ બની રહ્યો હતો. યંગ ઈન્ડિયા ગ્રુપ આયોજિત આ પહેલે વેલેન્ટાઈન ડેને નવી ઓળખ આપી અને માનવીય સંસ્કૃતિને વધુ મજબૂત બનાવી. માટે આ દિવસ વધુ વિશેષ અને યાદગાર બની ગયો. “બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધવી” એ ભારતીય સંસ્કૃતિનો મૂળ ભાવ આ કાર્ય દ્વારા સાકાર થયો હતો. યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાની પરંપરા આ વર્ષે પણ જાળવવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.