પીએમશ્રી શાળા નંબર 93નાં વિદ્યાર્થીઓએ બનાવી સ્વદેશી અપનાવોનો સશક્ત સંદેશ આપતી શોર્ટ ફિલ્મ “ટમટમતાં દીવડા”

 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં દિવાળી ઉપર માટીનાં કોડિયા ખરીદવા પ્રેરણા આપતી શોર્ટ ફિલ્મ ટમટમતાં દીવડા તૈયાર કરવામાં આવી છે. શાળાના આચાર્યશ્રી વનિતાબેન રાઠોડ જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક પણ છે અને સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રસાર પ્રમુખની પણ જવાબદારીનું વહન કરે છે.

 

તેમના દ્વારા નેશન ફર્સ્ટ સ્વદેશી મસ્ટનો સંદેશો આપતી શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્વદેશી અપનાવવાથી દેશના સ્થાનિક કારીગરોને કામકાજ મળી રહે તથા તેઓની આર્થિક શક્તિમાં વધારો થાય તે ઉદેશ્યથી “આવો, આ દિવાળી પર ઘરે ઓછામાં ઓછા પાંચ માટીનાં કોડીયા લાવીશું” આ સૂત્ર સાથે શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. લોકોમાં સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન આપવા, પર્યાવરણ અનૂકુળ ઉજવણી કરવા અને દેશપ્રેમ ને જીવનમાં ઉતારવાની પ્રેરણા નાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી છે. આ શોર્ટફિલ્મ યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવી છે.

 

શોર્ટ ફિલ્મ ડાયરેક્શન તથા પ્રોડક્શન ડૉ. વનિતાબેન રાઠોડ દ્વારા, કેમેરા મેન તરીકે ક્રીનાબેન સીતાપરા , શોર્ટ ફિલ્મમાં વિદ્યાર્થી પ્રિન્સ જેઠવા, દેવ નકુમ, માનસી પરમાર, ઈચ્છા ભાસા દ્વારા અભિનય કરવામાં આવ્યો છે. આ શોર્ટ ફિલ્મનું એડિટિંગ કાર્ય રિતેશ મોકાસણા દ્વારા કરવામાં આવ્યું. શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ પીના પટેલ દ્વારા લખવામાં આવી છે. સહયોગી નિર્માતા સોલંકી દિપેશભાઈ તથા ભટ્ટ જાનવીબેન રહ્યા હતા. સ્વદેશી અપનાવોનો સંદેશ ફેલાવવા તથા વિદ્યાર્થીઓમાં રહેલી અભિનેય કળાને વિકસાવવા આ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું.

 

Leave A Reply

Your email address will not be published.