મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા JNU ના પ્રોફેસર અને કોંગ્રેસ સાંસદ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન
JNU ની ૧૧ વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપમાં બરતરફ કરાયેલા ડો. અગોમચા બિમોલ અકોઇજા અને રાહુલ ગાંધી સામે મહિલા મોરચાના સૂત્રોચ્ચાર


મોરબી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ જયશ્રીબેન સિણોજીયાની આગેવાની હેઠળ આજરોજ JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) ના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ ડો. અગોમચા બિમોલ અકોઇજા તેમજ કોંગ્રેસ પાર્ટી સામે મોરબી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
JNU ની ૧૧ જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા જાતીય સતામણીના ગંભીર આરોપો બાદ બરતરફ કરવામાં આવેલા ડો. અગોમચા અકોઇજાના કિસ્સામાં કોંગ્રેસ પક્ષના મૌન સામે મહિલા મોરચાએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ સામે સખત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
મહિલા મોરચા દ્વારા “કોંગ્રેસ હાય હાય” ના નારા લગાવીને આ સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટતા કરે અને દેશની મહિલાઓની સુરક્ષા પર જવાબ આપે તેવી કડક માંગ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં મોરબી જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો, મહિલાઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ એકત્રિત થઈને એકસૂરે મહિલા સન્માન અને ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.