મોરબીની રવાપર રેસિડન્સીમાં સ્વયંભૂ સફાઇ અભિયાન

મોરબીનાં રવાપર ઘૂનડા રોડ પર સિદ્ધિ વિનાયક પાર્કમાં આવેલી રવાપર રેસીડેન્સીનાં રહીશોએ સોસાયટીમાં આવેલ બગીચામાં રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યું હતું. સરકારી તંત્રની રાહ જોયા વિના સાર્વજનિક પ્લોટમાં આવેલ ગાર્ડનમાં સોસાયટીના રહીશોએ સ્વયંભૂ આ અભિયાન આદર્યું હતું. સોસાયટીમાં આવેલ ગાર્ડનમાં પ્લાસ્ટિક, સૂકાં પાન, વધારાનું ઘાસ ઊગી નીકળ્યું હતું.
આ વિસ્તારના રહેવાસીઓ બગીચામાં દરરોજ સવાર સાંજ વોકિંગ કરવા લોકો આવે છે તેમજ બાળકો અને વૃદ્ધો પણ આનંદ કિલ્લોલ કરે છે. આ પ્રદૂષણની તેઓના સ્વાસ્થ્ય પર અસર ન થાય અને વાતાવરણ શુદ્ધ રહે તેવા ઉમદા આશયથી આ અભિયાનમાં નાના-મોટાં આબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતાં. સફાઇને અંતે નાનાં બાળકોને હાથ ધોવાની યુનિસેફ દ્વારા માન્ય પધ્ધતિનાં સ્ટેપ પણ શીખવવામાં આવ્યાં હતાં. સૌ બાળકોએ કચરો ન કરવાનાં અને કચરો કચરાપેટીમાં જ નાખવાનાં શપથ લીધાં હતાં. મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત સમાજનાં લોકો પોતાના જ ઘરથી શરૂઆત કરે અને આ રીતે લોક જુવાળ ઉભો થાય તો જ સ્વચ્છ ભારતનું સપનું સાકાર થાય એવો સંદેશ સમાજનાં લોકોને સૌએ આપ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat