

મોરબીના લીલાપર રોડ પર રહેતા એક શ્રમિક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે. આરોપીઓએ ઉંચા વ્યાજદરે નાણાં આપીને પઠાણી ઉઘરાણી શરૂ કરતા આખરે પીડિતે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આ મામલે બે વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
વિગતવાર માહિતી મુજબ, પ્રકાશ નગરમાં રહેતા હરેશભાઈ જાદવ નામના મજૂરએ પોતાની જરૂરિયાત માટે વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં કટકે-કટકે કુલ ૬૫ હજાર રૂપિયા પાંચ ટકાના વ્યાજે સો-ઓરડી વિસ્તારના મહેશ ધનજીભાઈ જાદવ અને ધનજીભાઈ દેવજીભાઈ જાદવ પાસેથી લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં મુદલ સામે ૫૦ હજાર રૂપિયા જેટલું જંગી વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, આરોપીઓ સંતોષ ન માની વધુ નાણાં માટે દબાણ કરતા હતા. આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું છે. હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

