યુધ્ધને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ બંધ, શ્રમિકો પોતાના વતનમાં જવા રવાના
૨૦૦ થી વધુ કારખાના બંધ થતા શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ


ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધને પગલે ખાડી દેશો સળગી રહ્યા છે જેને પગલે તેલ અને ગેસની કટોકટી સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે મોરબી સિરામિક ઉદ્યોગ પણ ગેસ કટોકટીને પગલે બંધ થઇ રહ્યો છે હાલ ૨૦૦ જેટલા એકમો બંધ થતા ૩૦ થી ૫૦ હજાર શ્રમિકોની રોજીરોટી પર અસર જોવા મળી રહી છે
ગેસ કટોકટીને કારણે ૨૦૦ જેટલા સિરામિક એકમો બંધ થતા હજારો શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હજારો શ્રમિકો પોતાના વતન ભણી પરત જતા જોવા મળી રહ્યા છે મોરબી રેલ્વે સ્ટેશન ખાતે આજે વીકલી ટ્રેન કામખ્યા એક્સપ્રેસમાં મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન પરત જતા જોવા મળ્યા હતા મોરબી સિરામિક ઉદ્યોગમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને રાજસ્થાન સહિતના રાજ્યમાંથી શ્રમિકો રોજીરોટી અર્થે આવતા હોય છે અને અંદાજે ૪ લાખથી વધુ શ્રમિકોને સિરામિક ઉધોગથી રોજીરોટી મળી રહે છે પરંતુ યુધ્ધને કારણે એકમો બંધ થતા હજારો શ્રમિકો સામે રોજીરોટીનું સંકટ સર્જાયું છે અને હજુ સ્થિતિ નહિ સુધરે તો વધુ એકમો બંધ થતા હજારો નહિ લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ જશે
સિરામિક એકમો બંધ થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ઠપ્પ
મોરબી સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન અગાઉ સરેરાશ ૮૦૦૦ જેટલા ટ્રકોની અવરજવર રહેતી હતી જે ઘટીને માત્ર ૫૦૦ થી ૭૦૦ રહી જવા પામી છે અને હજુ એકમો બંધ થશે તેની સીધી અસર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પણ જોવા મળશે

