હળવદ : અનુ.જાતિના પ્રમુખે સફાઈ કર્મીઓની ઉપવાસી છાવણીની મુલાકાત લીધી, પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી 

જરૂર પડ્યે પાલિકાને તાળાબંધી કરવામાં આવશે અમને જો ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થશે

 

હળવદમાં નગરપાલિકા દ્વારા અન્ય સમાજના 7 કર્મચારી પાસે સફાઇની જગ્યાએ ટેબલ વર્ક કરાવવામાં આવતા સફાઇ કર્મીઓમાં વિરોધ ઊઠ્યો છે. આથી હળવદના 70થી વધુ જેટલા સફાઇ કર્મચારી પાલિકા સામે છેલ્લા 7 દિવસથી પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. જ્યારે જ્યાં સુધી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી કચરો નહીં ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે આજે હળવદ ઉપવાસ છાવણીની મુલાકાતે ગુજરાત પ્રદેશ અનુ. જાતી સમાજના પ્રમુખ જીતુભાઈ બારૈયા પણ આવ્યા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે, જરૂર પડશે તો ચીફ ઓફિસરનો ધેરાવો તથા પાલિકાને તાળાબંધી કરવામાં આવશે.

આ મુદ્દે અનુ. જાતી સમાજના આગેવાન સાવન મારુડાએ જણાવ્યું હતું કે, અમારી ખાલી એક જ માંગ છે કે બધાને સમાન કામ અને સમાન વેતન મળવું જોઈએ. છતાં જાડી ચામડીની નગરપાલિકા અને તંત્ર ઘોર નિંદ્રામાં સુતા હોય તેમ અમે સાત દિવસથી હડતાલ પર બેઠા છીએ છતાં પણ તેમના પેટનું પાણી પણ નથી હલતું. અમને તો એવી શંકા છે કે અમારા પેટમાં સામાન્ય પાણી છે અને તંત્રના પેટમાં એસિડનું પાણી છે. આજે અમારા પ્રદેશ પ્રમુખ પણ આવી ગયા છે હજુ અમને જો ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થશે જેની અમે જાહેર ચિમકી ઉચ્ચારી એ છીએ.

જયારે અન્ય સફાઈકર્મી ઉષાબેને જણાવ્યું હતું કે, 25 વર્ષથી અમે લોકો નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ છતાં પણ આટલા દિવસથી અમારે ઉપવાસ કરવા પડે છે અને અમારી માગણીને સ્વીકારવામાં આવી નથી રહી અમારા સમાજના પ્રમુખ પણ અહીં આવી ગયા છે અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં અને આથી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું

ઉલ્લેખનીય છે કે હળવદ નગરપાલિકામાં 2021માં 13 જેટલા સફાઈ કામદારોની ભરતી કરાઈ હતી. તેમાંથી 6 લોકોને વાલ્મીકી સમાજના ભરતી કરવામાં આવી હતી. જેમાં 7 અન્ય સમાજના લોકોને ભરતી કરાઈ હતી. પરંતુ નગરપાલિકા અને અન્ય સમાજના 7 લોકોની મિલીભગતથી સફાઈ કામની જગ્યાએ ટેબલ કરાવતા હળવદના વાલ્મિકી સમાજના સફાઈ કામદારોમાં વિરોધ કર્યો હતો. 2 વખત નગરપાલિકા આવેદનપત્ર આપ્યા હતા. આમ છતા નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.આથી ગત ગુરુવારે 70થી વધુ  રોજમદાર સફાઇ કામદારો નગરપાલિકા સામે પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા.

Comments
Loading...
WhatsApp chat