

શ્રી મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ અને શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે કડવા પાટીદાર સમાજના M.B.B.S.માં અભ્યાસ કરતા અને આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની શિક્ષણ લોન સહાય યોજના જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓક્ટોબર માસ દરમિયાન પોતાની અરજી સબમિટ કરી શકશે.
આ યોજનાનો લાભ માત્ર મોરબી જિલ્લાના મૂળ વતની હોય તેવા કડવા પાટીદાર સમાજના M.B.B.S.ના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહેશે. એક વિદ્યાર્થીને વર્ષમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન સંપૂર્ણપણે વગર વ્યાજની રહેશે, જેને વિદ્યાર્થીનો M.B.B.S.નો અભ્યાસ પૂર્ણ થયા બાદ અને તેની આવક શરૂ થાય એટલે કે બીજા વર્ષથી ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ હપ્તા મુજબ પરત કરવાની રહેશે.
અરજી સાથે વિદ્યાર્થીઓએ સ્વ-પ્રમાણિત નકલો જોડવાની રહેશે, જેમાં ધોરણ-૧૨ની માર્કશીટ, લીવિંગ સર્ટિફિકેટ, બોનાફાઇડ સર્ટિફિકેટ, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, પિતાનું આધાર કાર્ડ, સાક્ષીઓના આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ તેમજ જમીન ધરાવતા હોય તો ૭-૧૨ અને ૮-અ ની નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત લોન મેળવવા માટે સમાજના પ્રતિષ્ઠિત બે વ્યક્તિના જામીન આપવાના રહેશે અને વિદ્યાર્થીના નામનો બેંકનો કોરો ચેક આપવાનો રહેશે.
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ નિયત અરજી ફોર્મ, નિયમો અને જામીન પત્રક મુજબ વિગતો ભરીને તા. ૦૧-૧૦-૨૦૨૬ થી ૩૧-૧૦-૨૦૨૬ સુધીમાં સમૂહ લગ્ન સમિતિની ઓફિસે અરજી મોકલી આપવાની રહેશે. મુદત પૂરી થયા બાદ આવેલ કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. યોજના અંગે વધુ માહિતી કે ફોર્મ મેળવવા માટે શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ – મોરબીની ઓફિસ અથવા મો. નંબર ૯૯૭૮૯ ૨૧૩૧૮, ૯૮૨૫૦ ૯૮૦૭૯ પર સંપર્ક કરવાનો રહેશે.