ડીજીપી કપ એથ્લેટિક્સ ૨૦૨૬: પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકા ભૂતે ૨ ગોલ્ડ સાથે ૩ મેડલ જીત્યા


તાજેતરમાં યોજાયેલ ‘ડીજીપી કપ એથ્લેટિક્સ ૨૦૨૬’ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મોરબીના વતની અને હાલ સાબરકાંઠા પોલીસમાં ફરજ બજાવતા ભૂમિકા ભૂતે ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર સહિત કુલ ૩ મેડલ જીતીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાસિલ કરી છે.
ભૂમિકાએ પોતાની અથાક મહેનત અને સમર્પણના બળે ૫૦૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે આવીને IGP વિરેન્દ્રસિંહ યાદવના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો જ્યારે ૧૫૦૦ મીટર દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે ગોલ્ડ મેડલ ધારણ કર્યો હતો. આ ઉપરાંત રીલે રેસમાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર પોલીસ બેડાનું અને મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે.
તેમણે બોર્ડર રેન્જની રીલે ટીમ તરફથી રમતા સિલ્વર મેડલ જીતીને આ સ્પર્ધામાં કુલ ૩ મેડલ મેળવવાની મોટી સિદ્ધિ હાસિલ કરી છે. આ યાદગાર સફળતા બદલ ભૂમિકા ભૂતે સાબરકાંઠા પોલીસ પરિવાર, મોરબી પંથક અને તમામ વડીલો તથા અધિકારીઓના આશીર્વાદ અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો છે.





