મોરબીમાં નકલી દૂધ અને પનીરના દૂષણને ડામવા ગ્રાહક સુરક્ષા મંડળની કમિશ્નરને રજૂઆત

 

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ અને પનીરનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કડક તપાસની માંગ કરવામાં આવી છે.

 

ગ્રાહક સુરક્ષા મંડળે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ફૂડ વિભાગ દ્વારા હાલમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રશંસનીય છે. પરંતુ, દૂધ એ માનવીના રોજિંદા જીવનની પ્રાથમિક જરૂરિયાત છે અને દર્દીઓ માટે પણ તે અનિવાર્ય આહાર છે. હાલમાં મળી રહેલ માહિતી મુજબ મોરબીમાં નકલી અને ભેળસેળયુક્ત દૂધ તેમજ પનીરનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો છે, જે સીધી રીતે જનતાના આરોગ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે.

 

મંડળ દ્વારા વધુમાં અપીલ કરવામાં આવી છે કે, લોકોની તંદુરસ્તીને નુકસાન પહોંચાડતા આવા તત્વો સામે ફૂડ અને ઔષધ નિયમન વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવે. ખાસ કરીને ડેરીઓ અને પનીરના વિક્રેતાઓને ત્યાં ઓચિંતી તપાસ કરી નમૂના લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પત્રની નકલ ખોરાક અને ઔષધ વિભાગને પણ રવાના કરી ત્વરિત કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.