માળિયાના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી



માળિયા તાલુકાના મોટી બરાર ગામે તાજેતરમાં બનેલી વીજપોલ ધરાશાહી અને ત્યારબાદ લાંબા સમય સુધી વીજ લાઈન ચાલુ રહી જવાની ઘટનાને પગલે વિસ્તારના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ ઘટનાને માત્ર એક સામાન્ય દુર્ઘટના તરીકે નહીં જોતા, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.
આ સંદર્ભમાં કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે હાઈ વોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર થતી હોવાથી સંભવિત જોખમોને અવગણવામાં આવી શકે નહીં. તેમણે સૂચન કર્યું હતું કે જ્યારે પણ સરકાર અથવા કોઈ કંપની દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો નાખવામાં આવે, ત્યારે ખેડૂતો દ્વારા અગાઉથી લેખિતમાં સ્પષ્ટતા લેવાઈ જોઈએ. તેમણે વધુમાં ટંકારા, મોરબી તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા અને પોતાના હક્કોની રક્ષા માટે એકજૂટ થવાનું આહવાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દુર્ઘટના બને ત્યારે જવાબદારી કોની રહેશે, તેમજ નુકસાન કે જાનહાનિ થાય તો વળતર અંગેની જોગવાઈ શું હશે તે મુદ્દાઓ સ્પષ્ટપણે લેખિતમાં લેવાં જરૂરી છે. આથી ભવિષ્યમાં ખેડૂતોને ન્યાય મેળવવામાં સરળતા રહેશે. તેમજ કંપનીઓ અને સંબંધિત તંત્ર દ્વારા સુરક્ષા માપદંડોનું કડક પાલન થાય તે પણ અત્યંત આવશ્યક ગણાવાયું છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને રમેશ રબારી દ્વારા આપવામાં આવેલા સૂચનોને સમર્થન આપ્યું હતું. ખેડૂતોમાં એકજૂટતા જોવા મળી હતી અને ભવિષ્યમાં સુરક્ષા મુદ્દે વધુ સજાગ રહેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

