અગરિયાઓની આફતનો અંત, કચ્છના નાના રણમાં ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની PILનો હાઇકોર્ટેમાં નિકાલ કરાયો


ગુજરાત હાઇકોર્ટમાં આઠ મહિના પહેલા થયેલી જાહેર હિતની અરજીમાં કચ્છના નાના રણમાં ગેરકાયદેસર દબાણ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજીને પગલે હજારો અગરિયા પરિવારોએ આજીવિકા ખોવાનો વારો આવ્યો હતો ત્યારે હાલ હાઇકોર્ટમાં આ અરજીનો નિકાલ થતાં અગરિયા પરિવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
આ અંગે અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ હરિગણેશ પંડ્યાની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાતનું કચ્છનું નાનું રણ ૫ હજાર ચો. કિમી ક્ષેત્રફળ ધરાવતો સપાટ રણ પ્રદેશ છે અને ત્યાં ૮ હજાર જેટલા પરંપરાગત અગરીયા પરિવારો મીઠાની ખેતી કરી ગુજરાન ચલાવે છે.
એપ્રિલ ૨૦૨૩માં કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર થવાના મુદ્દે એક જાહેર હિતની અરજી થઈ હતી. આ પિટિશન બાદ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગામેગામ સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં નામ ન હોય તે તમામ અગરીયાઓ રણમાં પ્રવેશ કરી શકશે નહીં તેવું જાહેર કર્યું હતું. સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં મોટા ભાગના પરંપરાગત અગરીયાઓનો સમાવેશ ન થયો હોવાથી અગરીયાઓ મોટા પાયે સરકારમાં રજૂઆત કરી હતી. રણકાંઠાના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા થયેલ સઘન રજૂઆત બાદ ૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૧૦ એકર સુધી મીઠું પકવતા અગરીયાઓનું રજીસ્ટ્રેશન કરાવી, મીઠું પકવવાની પરવાનગી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.
જોકે સિઝન શરૂ થયા ને બે મહિના થવા આવ્યા છતાં વન વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન બાદ સાંતલપુર અને આડેસર રણ વિસ્તારમાં અગરિયાઓને રણ પ્રવેશ આપવામાં આવ્યો નથી તેથી હજારો લોકોને આજીવિકા ખોવાનો વારો આવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે, કે ભારતના કુલ મીઠા ઉત્પાદનનો ૮૦% જેટલો હિસ્સો ગુજરાત પકવે છે, અને તેમાં પરંપરાગત અગરીયાઓનો પણ મહત્વનો ફાળો રહેલ છે. કચ્છના નાના રણમાં થતી મીઠાની ખેતી દુનિયામાં સૌથી જૂની પારંપારિક ઉત્પાદન પધ્ધતિમાંની એક પદ્ધતિ છે, જેનું દસ્તાવેજીકરણ દક્ષિણ કોરિયા ખાતે આવેલ સિઓલ મ્યુઝિયમ દ્વારા પણ કરવામાં આવેલ છે.
પરંપરાગત અગરીયાઓના ઉત્કર્ષ માટે એક બાજુ સરકાર દ્વારા રૂ.૩૦૦ કરોડ બજેટ ખર્ચી સોલર સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જ્યારે બીજી બાજુ અગરીયાઓને ગેરકાયદેસર ગણીને તેમણે રણની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાઇકોર્ટ દ્વારા આ જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. જો કોઈ રજૂઆત હોય તો તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સરખા મુદ્દે ચાલતી પિટિશનમાં કરવા કોર્ટે કહ્યું. છેલ્લા કેટલાય મહિનાઓથી નાના અને પરંપરાગત અગરિયાઓ માટે આફત બનેલ આ પિટિશનના નિકાલથી નાના, દસ એકર અને પરંપરાગત અગરિયાઓમાં એક નવી આશા બંધાઈ છે કે તેમના રણમાં મીઠું પકવવાના અધિકારોને હવે વન વિભાગ દ્વારા કાયમી માન્યતા આપવામાં આવશે.


