

હળવદના નવા વેગડવાવ ગામે મજૂરી કામ કરતા એક ૩૫ વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે. જીદ્દી સ્વભાવના કારણે નાની વાતમાં ગુસ્સે થઈ ગયેલા યુવકે ભાન ભૂલીને આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હળવદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાના મોટાવાંટા ગામના વતની અને હાલ નવા વેગડવાવ ગામે શંકરભાઈની વાડીમાં મજૂરી કરતા રણજીતભાઈ રાજુભાઈ તડવી (ઉં.વ. ૩૫) એ ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, રણજીતભાઈ સ્વભાવે જીદ્દી હતા અને નાની-નાની વાતોમાં ઉશ્કેરાઈ જઈ ગુસ્સે થઈ જતા હતા, જેના કારણે પોતાનું ભાન ન રહેતા તેમણે આ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હળવદ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

