મોરબી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા. ૨૦ ઓક્ટોબરે પ.પૂ. મહંતસ્વામી મહારાજનું મોરબીના આંગણે ભવ્ય આગમન; હજારો ભક્તો દ્વારા થશે ભાવભર્યું સ્વાગત
મોરબીના આંગણે પ.પૂ. મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં ૧૬ દિવસ સુધી વહેશે ભક્તિ, સત્સંગ અને સંસ્કૃતિની ભાગીરથી



મોરબી શહેરના આંગણે નવનિર્મિત ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઐતિહાસિક અવસરે મંદિરના પ્રાણપ્રદાતા અને સર્જક પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગામી તા. ૨૦ ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે મોરબી પધારી રહ્યા છે.
મોરબી મંદિરના સર્જક પ.પૂ. મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા માટે સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૦ ઓક્ટોબરથી તા. ૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી મોરબીમાં રોકાણ કરીને ભક્તોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે.
પ.પૂ. મહંતસ્વામી મહારાજના મોરબી વિચરણ અને મહોત્સવના મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા:
* ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ (મંગળવાર): સવારે ૯:૦૦ કલાકે મોરબીમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજનું ભવ્ય આગમન અને સ્વાગત.
* ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ (શુક્રવાર): સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-૧’ અને સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન ‘સ્વાગત સમારોહ / અભિવાદન સમારોહ’.
* ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ (શનિવાર): સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-૨’ અને સાંજે ભવ્ય ‘ઠાકોરજીની શોભાયાત્રા’.
* ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ (રવિવાર – મુખ્ય પ્રતિષ્ઠા દિવસ): સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે ‘મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ’ તથા સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન ભવ્ય ‘મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા’.
* ૨૮ ઓક્ટોબર થી ૨ નવેમ્બર, ૨૦૨૬: દરરોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ દરમિયાન પ.પૂ. સ્વામીશ્રીના ‘પ્રાતઃપૂજા દર્શન’ અને સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન ‘સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો’. (તા. ૨ નવેમ્બરે સાંજે ‘વિરાટ મહિલા સંમેલન’ પણ યોજાશે).
* ૪ નવેમ્બર, ૨૦૨૬ (બુધવાર): પ.પૂ. મહંતસ્વામી મહારાજની મોરબીથી ભાવભરી વિદાય. (નોંધ: તા. ૨૧-૨૨ ઓક્ટોબર, ૨૬-૨૭ ઓક્ટોબર અને ૩ નવેમ્બરના રોજ જાહેર કાર્યક્રમો રહેશે નહીં.)
મોરબીના આંગણે ૧૬ દિવસ સુધી વહેનારી આ ભક્તિ, સત્સંગ અને સંસ્કૃતિની ભાગીરથીમાં જોડાવા માટે સમગ્ર મોરબીની ધર્મપ્રેમી જનતાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.



