મતદાનના દિવસે કેમ્પ ઊભા કરવા, હથિયારો સાથે ફરવા કે વાહનોના અનધિકૃત ઉપયોગ પર મનાઈ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ લોકશાહીના પર્વમાં મતદારો કોઈપણ ડર, ભય કે પ્રલોભન વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે અને મતદાન મથકોની આસપાસ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર, મતદાનના દિવસે મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ચૂંટણી સંબંધી બૂથ ઊભા કરી શકાશે નહીં. ૨૦૦ મીટરની ત્રિજ્યા બહાર ઉમેદવારના નામ કે પ્રતીક વગરની મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખવાની મંજૂરી અપાશે, જેમાં છાંયડા માટે છત્રી કે તાડપત્રી વાપરી શકાશે પરંતુ તેને ચારેબાજુથી બંધ કરી શકાશે નહીં. આ નિર્ધારિત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા, પત્રિકા વિતરણ કરવા કે પ્રતીકો પ્રદર્શિત કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. વધુમાં, મતદાનની પવિત્રતા અને ગુપ્તતા જાળવવા માટે મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે અન્ય સંદેશાવ્યવહારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા કે વાપરવા પર ચુસ્ત પ્રતિબંધ રહેશે. મંજૂરી ધરાવતા ચૂંટણી સંબંધી વાહનો પણ મતદાન મથકના બિલ્ડિંગથી ૧૦૦ મીટરની અંદર પ્રવેશ કરી શકશે નહીં.

આ પ્રતિબંધાત્મક આદેશોમાંથી ચૂંટણી ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સુરક્ષામાં તૈનાત પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ અને પેરા મિલિટ્રી ફોર્સના જવાનોને મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે મતદારોને કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં મતદાન કરવા દબાણ કરવું કે પ્રલોભન આપવું ગંભીર ગુનો ગણાશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.