


હાલ સમગ્ર દેશ દુષ્કર્મ અને મહિલા અત્યાચારના બનાવોથી આહત છે. જમ્મુ કાશ્મીર, યુપી જેવા રાજ્યોમાં બાળકી પરના દુષ્કર્મના કેસો બાદ ગુજરાતમાં પણ ચકચારી સુરત પ્રકરણ સામે આવ્યું હતું જે હજુ ભૂલાયું નથી ત્યાં મોરબીમાં આવો જ ફિટકાર વરસાવતો કિસ્સો બન્યો છે જેમાં હેવાને અઢી વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી બાદમાં હત્યા કરી પાણીના ખાડામાં મૃતદેહ ફેંકી દેવાયો હતો.
મોરબીના જેતપર રોડ પરના બેલા નજીક આવેલી સિરામિક ફેકટરીમાં મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકી ગત રાત્રીના તેના ભાઈ સાથે સુતી હતી અને માતા પિતા કુદરતી હાજતે જવા ગયા હોય જે દરમિયાન અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરી ગયો હતો.
આ તરફ બાળકી ગુમ થયાને પગલે પરિવાર ચિંતાતુર બન્યો હતો અને બાળકીની શોધખોળ આદરી હતી જોકે સવાર સુધી તેનો પત્તો લાગ્યો ના હતો અને બાદમાં પાણીના ખાડામાં એક બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી અને મૃતદેહ ગુમ થયેલી બાળકીનો જ હોવાની ઓળખ થઇ હતી બનાવની ગંભીરતાને સમજી તાલુકા પોલીસ ઉપરાંત ડીવાયએસપી સહિતની ટીમ દોડી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પીએમ માટે રાજકોટ મોકલાયો હતો
જે ફોરેસ્નીક પીએમમાં પણ બાળકી સાથે દુષ્કર્મ થયાનું ફલિત થયું હતું જેને પગલે તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ બાળકીનું અપહરણ, હત્યા અને દુષ્કર્મ સહિતના ગુન્હા નોંધી આરોપીની શોધખોળ ચલાવી છે તો મોરબીમાં શ્રમિક પરિવારની માસૂમ બાળકીને પીંખી નાખવાની ઘટનાથી ચકચાર મચી છે તો સૌ કોઈ આરોપી સામે ફિટકાર પણ વરસાવી રહ્યા છે.

