

મોરબીના ડાયમંડનગર (આમરણ) ખાતે કાર્યરત શ્રી કાશીબેન દામજીભાઈ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર, ૧૫ માર્ચના રોજ ‘ગૌદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌશાળામાં દાતાઓના સહયોગથી થયેલા કરોડો રૂપિયાના વિકાસકામોથી ગ્રામજનો અને દાતાઓને અવગત કરાવવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં ગૌપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
આમરણ ગૌશાળામાં હાલ ૫૫૦થી વધુ ગૌમાતા આશ્રય લઈ રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં કોઈ પણ વિશેષ ઉઘરાણા વગર, માત્ર દાતાઓના અવિરત દાનથી નવા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં ૩ વીઘા જમીન, આધુનિક શેડ, આરસીસી રોડ, ગૌમાતા માટે અલગ વિભાગો, પાણીનો ટાંકો અને ગૌવાલીઓ માટે પાકા મકાનોનો સમાવેશ થાય છે. આ તમામ સુવિધાઓનું ઉદ્ઘાટન દાતાઓના હસ્તે કરવામાં આવશે.
રવિવારે બપોરે ૩ કલાકે ગોપી મંડળ દ્વારા ‘કાનુડો’ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ૪ કલાકે રાજકોટ સ્પીપાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને પાઠ્યપુસ્તક લેખક પરેશભાઈ દલસાણીયા દ્વારા ઉદ્બોધન આપવામાં આવશે. સાંજે ૫:૩૦ કલાકે લમ્પી વાયરસમાં ગૌલોક પામેલા નંદી જસમત મહારાજ અને ગૌમાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સાંજે ૬ કલાકે તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

