

હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા તાલુકાના બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે સંવેદનશીલ અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર નજીક જ નિઃશુલ્ક ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ખેડૂત ભોજનાલયમાં પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ અને તેમની સાથે આવેલા એક વાલીને બપોરનું ભરપેટ જમવાનું આપવામાં આવશે. આ અંગે યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પરીક્ષા આપવા આવે છે. પરીક્ષા વચ્ચે જમવા માટે તેઓને ગામડે પાછા જવું ન પડે અને કોઈ તકલીફ ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થીઓએ પરીક્ષાની હોલ ટિકિટ અથવા રસીદ દર્શાવી આ સુવિધાનો લાભ લઈ શકશે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ પરીક્ષાર્થીઓ માટે આ સેવા ખુલ્લી રાખવામાં આવી છે. યાર્ડ દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી કામગીરીને વાલીઓ, શિક્ષણપ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. પરીક્ષા જેવા મહત્વના સમયે વિદ્યાર્થીઓને સહાયરૂપ થતી આ પહેલને સમાજમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
મયુર રાવલ હળવદ



