સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોમાં રાજકીય સભાઓ યોજવા કે ચૂંટણી પ્રચારના કેન્દ્ર તરીકે ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આ ચૂંટણીઓ નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા સરકારી આરામગૃહો અને રહેણાંકના ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં આવેલા તમામ સરકારી, અર્ધસરકારી કે પંચાયતના વિશ્રામગૃહો, અતિથિગૃહો, ડાક બંગલાઓ અને સરકારી રહેણાંકના મકાનો તેમજ તેની સાથે જોડાયેલા આંગણ કે કમ્પાઉન્ડનો કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો દ્વારા રાજકીય હેતુસર કે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. વધુમાં, આવા સ્થળોએ રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટિંગ યોજવા તેમજ કમ્પાઉન્ડમાં ચૂંટણીલક્ષી વાહનો પાર્ક કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર માટે આવતા મહાનુભાવોને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહમાં રૂમ ફાળવી શકાશે નહીં. જોકે, ‘Z’ કક્ષાની કે તેથી વધુ સુરક્ષા ધરાવતા રાજકીય પદાધિકારીઓને રૂમ ફાળવી શકાશે, પરંતુ શરત એ રહેશે કે તે રૂમ અગાઉથી કોઈ ચૂંટણી નિરીક્ષક કે અધિકારી માટે ફાળવાયેલ ન હોય. આવા સુરક્ષા ધરાવતા મહાનુભાવો પણ રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં.
આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ કે પક્ષ આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Leave A Reply

Your email address will not be published.