

મોરબીના કંડલા બાયપાસ રોડ પર ટ્રક ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉમા સ્ટીલ ફર્નિચરના શો-રૂમ પાસે બનેલી આ ઘટનામાં કેટલાક શખ્સોએ વેપારી અને તેમના ભાઈ પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ વેપારીના શો-રૂમમાં ઘૂસી તોડફોડ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી ઉમેશભાઈ મેરજાના ભાઈ ચિરાગ સાથે આરોપી રણજીત ચાવડાએ ટ્રક દૂર કરવા બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ અન્ય આરોપી દિનેશ મકવાણા અને ચાર અજાણ્યા ઇસમો ફોર્ચ્યુનર કારમાં ધોકા સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ શો-રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરી તોડફોડ કરી હતી અને ડી.વી.આર. તોડી લુંટ ચલાવી હતી. આ ઉપરાંત, આરોપીઓએ પિસ્તોલ બતાવી વેપારીને ભયમાં મૂકી ગાળાગાળી કરી હતી અને તેનું અપહરણ કરી જવાની ધમકી પણ આપી હતી. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

