અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, સમાલખા, હરિયાણા : અખિલ ભારતીય સ્તરે અને સૌરાષ્ટ્રમાં સંઘકાર્યમાં વૃદ્ધિ.


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મા.શ્રીમુકેશભાઈ મલકાણ જણાવે છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સમાલખા, હરિયાણા ૧૩ થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાઈ ગઈ. આ પ્રતિનિધિ સભામાં પૂ. સરસંઘચાલક માન.શ્રી મોહનજી ભાગવત, સરકાર્યવાહ માન.શ્રીદત્તાત્રેય હોસબાલે, સહિત તમામ છ સહ સરકાર્યવાહ વિવિધ સંગઠનોના ૧૪૯૩ કાર્યકરો અપેક્ષિત હતા જેમાંથી ૧૪૩૮ ઉપસ્થિત હતા.
બેઠકની શરૂઆત ભારતમાતાને પુષ્પાંજલી અને દીપ પ્રાગટ્યથી થઈ. સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર રહેલા અને તાજેતરમાં દિવંગત થયેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં પૂ. સદગુરુદાસ મહારાજ (શ્રી વિજયરાવ દેશમુખ): વિદર્ભ , ડૉ. માધવ ગાડગિલ – પર્યાવરણ વૈજ્ઞાનિક, શિવરાજ પાટીલ – ભૂતપૂર્વ ગૃહમંત્રી ભારત સરકાર, કે. એન. દીક્ષિત પદ્મભૂષણ, વિખ્યાત પુરાતત્વવિદ, અજિત પવાર – મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી, ધર્મેન્દ્ર (ધરમસિંગ) દેઓલ – અભિનેતા અને પૂર્વ સાંસદ, સુલક્ષણા પંડિત – સુપ્રસિદ્ધ અભિનેત્રી, શ્રીમતી સિમોન દુનોયર ટાટા – ઉદ્યોજક – લેક્મે ની ચેરપર્સન, સૌરાષ્ટ્રના કિશોરભાઈ કોટક- જૂનાગઢના મા. વિભાગ સંઘચાલકજી તેમજ શ્રી હસમુખભાઈ પંડ્યા -જૂનાગઢ વિભાગ કાર્યવાહ સહિત મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
દેશ ભરમાં એક વર્ષમાં ૫૮૨૦ શાખા વધી
દેશમાં ૫૫,૬૮૩ સ્થળો પર દરરોજ કુલ ૮૮,૯૪૯ નિત્ય શાખાઓ થાય છે. ગયા વર્ષે ૫૧,૭૪૦ સ્થાનો પર નિત્ય શાખાની સંખ્યા ૮૩,૧૨૯ હતી. આમ દૈનિક શાખાઓમાં ગયા વર્ષ કરતાં ૫,૮૨૦ જેટલી શાખાઓનો વધારો થયો છે. દેશમાં ૩૨,૬૦૬ સાપ્તાહિક મિલન ચાલે છે. ગયા વર્ષે આ સંખ્યા ૩૨,૧૪૭ હતી. આમ સાપ્તાહિક મિલનમાં ગયા વર્ષ કરતાં ૪૫૯નો વધારો થયો છે. દેશમાં ૧૩,૨૧૧ સ્થાનો પર માસિક મિલન ચાલે છે. ગયા વર્ષે આ સંખ્યા ૧૨,૦૯૧ હતી.
સૌરાષ્ટ્રમાં સંઘ કાર્ય સ્થિતિ :
સૌરાષ્ટ્ર પ્રાંતમાં એક મહાનગર, અન્ય ૫૦ નગરો તથા ગ્રામીણ વિસ્તારમાં ૧૪ જિલ્લા અંતર્ગત ૧૧૭ તાલુકા આવેલા છે. સૌરાષ્ટ્રમાં હાલ ૨૯૪ સ્થાન ઉપર ૬૦૧ દૈનિક શાખા લાગે છે તે ઉપરાંત ૫૯૯ સાપ્તાહિક મિલન અને ૩૨૩ સ્થાનો પર માસિક મિલન ચાલે છે.
પ્રશિક્ષણ વર્ગનું આયોજન
આગામી વર્ષમાં ૧૧ ક્ષેત્ર સ્તર ના વર્ગ તથા એક નાગપુરના વર્ગ ને મળીને કુલ ૯૬ પ્રશિક્ષણ વર્ગ યોજાશે. સૌરાષ્ટ્રમાં આગામી દિનાંક ૧૬ મે ૨૦૨૬ થી ૧ જૂન ૨૦૨૬ સુધી સંઘ શિક્ષા વર્ગ અંજાર ખાતે યોજાયેલ છે.
સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી
સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૩૧૫ હિન્દુ સંમેલનો થયા
સંઘ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ રૂપે જુદા જુદા વિસ્તારોમાં કુલ ૩૧૫ હિન્દુ સંમેલન થયા હતા જેમાંથી ૧૪૮ ગ્રામ્ય કક્ષાએ અને ૧૬૭ શહેરી કક્ષાએ સંમેલનો થયા હતા. આ સંમેલનમાં કુલ મળીને ૧,૭૪,૮૯૮ લોકો જોડાયા હતા જેમાંથી ૭૫,૯૫૨ બહેનો સહભાગી થયા હતા. હિન્દુ સંમેલનને સફળ બનવા માટે સમાજના ૪,૪૬૦ વ્યક્તિઓ એ જહેમત ઉઠાવી હતી. હજુ આગામી સમયમાં વધુ હિન્દુ સંમેલનના આયોજન થશે.
સૌરાષ્ટ્રમાં ૧૪,૫૧,૧૮૫ ઘરોનો સંપર્ક કરાયો
સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંઘ શતાબ્દી વર્ષ નિમિતે ઘર સંપર્ક અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૪,૫૧,૧૮૫ ઘરોમાં સંપર્ક કરવામાં આવ્યો છે. ઘર સંપર્ક અભિયાનને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્રના ૧૯,૧૭૫ કાર્યકર્તાએ કાર્ય કર્યું હતું. જેમાંથી ૧,૧૩૪ બહેનો હતા તેમજ ૧,૬૯૭ વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ જોડાયા હતા. ઘર સંપર્ક દરમિયાન સંઘના સ્વયંસેવકોએ પંચ પરિવર્તન વિષે પરિવાર સાથે વાતચીત કરી હતી અને સમાજના કામમાં જોડાવા લોકોને આહ્વાન કર્યું હતું.
JOIN RSS:
વેબસાઇટના માધ્યમ દ્વારા જાન્યુઆરી ૨૦૨૬માં ૨૬,૪૪૫ લોકો એ સંઘ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
નવમ ગુરુ તેગબહાદુરજીના બલિદાનના ૩૫૦ માં વર્ષ નિમિત્તે સંઘની પ્રેરણાથી દેશભરમાં ૨૦૦૦ થી વધુ કાર્યક્રમ થયા.
વંદે માતરમની 150 ની જયંતિ નિમિત્તે વ્યાપક પ્રમાણમાં જાગૃતિના કાર્યક્રમો આયોજીત થયા.
આગામી વર્ષમાં સંતશિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજી મહારાજ ની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે દેશભરમાં વ્યાપક કાર્યક્રમની યોજના બની છે.
પ્રતિનિધિ સભામાં સૌરાષ્ટ્ર કચ્છનો ખાસ ઉલ્લેખ:
અ.ભા.પ્રતિનિધિ સભામાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ પ્રતિવેદનમાં સૌરાષ્ટ્ર કચ્છના નીચેના કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો છે.
છત્રપતિ શિવાજી વ્યવસાયી શાખા દ્વારા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ખાંભલા ગામમાં નાગરિકોના સહયોગથી વૃક્ષારોપણ કરીને “મધુવન પ્લાન્ટેશન”નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે નાગરિકોએ લગભગ ૧૫ લાખ રૂપિયાનું આર્થિક સહયોગ આપ્યો હતો. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ભૂમિપુજન બાદ ૩૦ વીઘા જમીન પર ૧૩૨ ભારતીય જાતિના કુલ ૬૫૦૦ છોડ રોપવામાં આવ્યા હતા. અહી ડ્રિપ સિંચાઈની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રકલ્પથી પ્રેરાઈને ૯ અન્ય ગામોમાં પણ વૃક્ષારોપણ શરૂ થયું છે. આ સમિતિ દ્વારા સાઇકલ વિતરણ, ઇ-બાઈક અને સોલર ઉર્જા પ્રોત્સાહન જેવા ઉપક્રમો પણ હાથ ધરાયા છે.
રાજકોટ મહાનગર અને ગોંડલ જિલ્લામાં પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ૧૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ એક જ દિવસે ૧૭૦ નિઃશુલ્ક આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરોમાં ૩૩૭ ડોક્ટરો અને ૭૮૫ સ્વયંસેવકોની મદદથી આશરે ૯૦૦૦ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.
કચ્છમાં ગત ૧૬, ૧૭ અને ૧૮ જૂન ૨૦૨૫ દરમિયાન “ગૌ-સેવા સંગમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌ-સેવા રથ દ્વારા ૩૧૮ ગામોમાં સંપર્ક કરીને લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંગમમાં ૬ મુખ્ય વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગૌ-સેવાના ૧૮ આયામોમાં કાર્યરત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નંદીપૂજન અને ગૌ યજ્ઞનું પણ આયોજન થયું હતું. આ કાર્યકામમાં અંદાજે ૧૨,૦૦૦ લોકો હાજર રહ્યા હતા જ્યારે ૩૮૦ કાર્યકર્તાઓ સેવા કાર્યમાં જોડાયા હતા
સંત શિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજીના ૬૫૦માં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીનું વક્તવ્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંતશિરોમણિ સદગુરુ શ્રી રવિદાસજીના ૬૫૦માં પ્રાગટ્ય વર્ષના અવસર પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. આપણી શ્રેષ્ઠ સંત પરંપરા ઈશ્વરની ભારતને એક વિશિષ્ટ ભેટ છે. આપણા ઇતિહાસના પ્રવાહમાં મહાન સંત પરંપરાએ જ્યાં સમાજમાં ઈશ્વરની ઉપાસના અને ભક્તિભાવનું જાગરણ કર્યું, ત્યાં જ સામાજિક કુરિવાજો અને ભેદભાવને નિર્મૂળ કરીને સમરસ સમાજના સશક્તિકરણના પ્રયત્નો કર્યા. સાથે જ તેમણે વિદેશી શાસકોના અત્યાચારો વિરુદ્ધ સંઘર્ષ માટે સમાજને જાગૃત અને સજ્જ પણ કર્યો છે. સંતશ્રી રવિદાસજી ભક્તિની ભાવ-ધારાના મહાન સંત હતા, જેમણે સમાજમાં એક નવી ચેતના પ્રવાહિત કરી અને જન્મના આધારે ઊંચ-નીચના ભેદને નકારીને આચરણને જ શ્રેષ્ઠતાની કસોટી માની. રૂઢિઓ અને કુરિવાજોથી સમાજની મુક્તિ તેમજ કાલબાહ્ય પરંપરાઓનો ત્યાગ કરવા અને સમયને સુસંગત સામાજિક પરિવર્તનો સ્વીકારવા માટે સમાજનું માનસ તૈયાર કરવામાં તેમની ઐતિહાસિક ભૂમિકા રહી છે. તેમના વિચારોનું મહત્વ સમજીને શ્રીગુરુગ્રંથ સાહિબમાં તેમની ૪૧ વાણીઓને ‘શબ્દ’ રૂપે સમાવિષ્ટ કરવામાં આવી છે. સામાન્ય પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવતા સંતશ્રી રવિદાસજીની ઈશ્વર-ભક્તિ, સેવાભાવ અને સમાજ પ્રત્યેના નિર્મળ પ્રેમને કારણે કાશીના વિદ્વાનો સહિત સમાજના તમામ વર્ગોએ તેમનો સ્વીકાર કર્યો. ગુરુ અને શિષ્ય તરીકે સંત શ્રીરવિદાસજી અને મીરાંબાઈનો સંબંધ નિર્ગુણ અને સગુણ ભક્તિ ધારાઓનું મિલન છે, તેમજ જાતિભેદ માનનારાઓ માટે એક અનુકરણીય બોધ પણ છે. મુસ્લિમ આક્રમણખોરોના આતંકના એ કઠિન સમયમાં ભક્તિની નિર્મળ ધારા વહેવડાવતા સંતશ્રી રવિદાસજીએ ધર્મની શ્રેષ્ઠતાની ઘોષણા કરી અને લોકોને ધર્મપાલનનો આગ્રહ કર્યો. સદગુરુ સંતશ્રી રવિદાસજીને ધર્માંતરિત કરીને મુસ્લિમ બનાવવાના અનેક પ્રયત્નો થયા, પરંતુ તેમની ભક્તિ અને આધ્યાત્મિક સાધનાથી પ્રભાવિત થઈને તેમને ધર્માંતરિત કરવા આવનારા લોકો જ તેમના અનુયાયી બની ગયા. વર્તમાન સમયમાં જ્યારે વિવિધ વિભાજનકારી શક્તિઓ જન-માનસને વર્ગ અને જાતિના આધારે વહેંચવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે પૂજ્ય સંતશ્રી રવિદાસજીના જીવન-સંદેશના મર્મને સમજીને આપણે સૌએ દેશ અને સમાજની એકાત્મતા માટે કાર્ય કરવાનો સંકલ્પ લેવાની જરૂર છે.



