મોરબી જીલ્લા પંચાયતમાં વિવિધ કમિટીઓની રચના, વરસાદથી થયેલ નુકશાન અંગે સરકારને રજૂઆત કરાશે

વાવાઝોડા અને વરસાદથી ખેતી અને મીઠાને નુકશાની અંગે રજૂઆત પીએચસી-સીએચસીમાં પુરતો સ્ટાફ આપવા પણ સરકારમાં રજૂઆત

મોરબી જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભા પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જે બેઠકમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી તે ઉપરાંત અનેક એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી

આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં કમિટીઓની રચના કરવામાં આવી હતી જેમાં કારોબારી સમિતિમાં પડસુંબીયા જયંતીલાલ દામજીભાઈ, શિક્ષણ સમિતિમાં સોનાગ્રા પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં કડીવાર ચંદ્રિકાબેન નાથુભાઈ, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિમાં ડાંગરોચા સરોજબેન વાઘજીભાઈ, અપીલ સમિતિમાં શિહોરા ચંદુભાઈ, સામાજિક ન્યાય સમિતિમાં પારેઘી હંસાબેન જેઠાભાઈ, જાહેર આરોગ્ય સમિતિમાં ટમાંરીયા હિરલાલ જીવણભાઈ, જાહેર બાંધકામ સમિતિમાં લોરિયા અજયભાઈ મનસુખભાઈને નિમણુક આપવામાં આવી છે જે હોદેદારોને જે તે કમિટીના ચેરમેન બનાવાશે

તે ઉપરાંત આજની બેઠકમાં ૨૮ એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા જે પૈકી જીલ્લા પંચાયત સ્વભંડોળ (સ્ટેમ્પ ડ્યુટી) ગ્રાન્ટમાંથી છેલ્લા ચાર વર્ષમાં જે કામોને વહીવટી મંજુરી આપેલ છે અને ગ્રાન્ટ તાલુકા વિકાસ અધિકારીને ફાળવેલ છે તે કામોને ચાલુ વર્ષમાં મુદત વધારાની બહાલી આપવી, જે કામોને સૈદ્ધાંતિક મંજુરી/ વહીવટી મંજુરી આપેલ છે તે કામોની હેતુફેર કરવાની માંગણી અંગે મંજુરી આપવા નિર્ણય કરવા, જે કામોને સૈદ્ધાંતિક મંજુરી આપેલ છે તે કામોને વહીવટી મંજુરી આપવાની દરખાસ્ત રજુ થયેલ હોય તે કામોને વહીવટી મંજુરી આપવા, રેતી રોયલ્ટી ગ્રાન્ટમાંથી વર્ષ ૨૦૨૦-૨૧ ના જે કામોની તાલુકા કક્ષાએથી વહીવટી મંજુરી માટે આવેલ દરખાસ્તોને મંજુરી આપવા, સહિતના છ એજન્ડાઓ હાલ મુલતવી રાખેલ છે જયારે બાકીના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી

વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે રજૂઆત
સામાન્ય સભામાં તાજેતરમાં આવેલ વરસાદ અને વાવાઝોડાથી મીઠા તેમજ ખેતીને નુકશાન થયું હોય જે મામલે ઉચ્ચ કક્ષાએ સરકારને રજૂઆત કરવા મૌખિક ચર્ચા કરાઈ હતી અને રજૂઆત કરવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે

પીએચસી-સીએચસીમાં પૂરતા સ્ટાફની માંગ કરશે
મોરબી જીલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની તંગી હોય જે મામલે પણ સરકારને રજૂઆત કરાશે આજની સામાન્ય સભામાં પીએચસી અને સીએચસીમાં કોરોના મહામારીને ધ્યાને લઈને પૂરો સ્ટાફ આપવા રજૂઆત કરાશે સાથે જ જે તે ગામોને નજીક પડતા હોય તેવા પીએચસી-સીએચસી સેન્ટરમાં સમાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી

ચોમાસા પૂર્વે ચેકડેમ રીપેર કરવા માંગ
ગ્રામ્ય પંથકમાં આવેલ ચેકડેમો તૂટેલ અથવા રીપેરીંગ જરૂરત હોય તેવા ચેકડેમો ચોમામાં પૂર્વે જ રીપેર કરાય તેવી માંગ કરવામા આવી છે સામાન્ય સભામાં ચેકડેમ રીપેરીંગ માટે રજૂઆત કરી હતી જે સરકારમાં કરવામાં આવશે અને ચેકડેમો રીપેરીંગ માટે તાકીદે એક્શન લેવાય તેવી માંગ કરવામાં આવનાર છે

Comments
Loading...
WhatsApp chat