હળવદના ચરાડવા નજીક બસ પર કરેલ પથ્થરમારા મામલે સાતની અટકાયત

 

મોરબીના પીપળી ગામના રહેવાસી ડાભી પરિવાર અમદાવાદથી મામેરુ ભરી પરિજનો સાથે ટ્રાવેલ્સની બસમાં પરત આવી રહ્યો હતો. એ સમયે ચરાડવા નજીક બસ ચા-પાણી પીવા માટે અટકી હતી. જ્યાં ચરાડવા ગામનો યુવક અપશબ્દો બોલતો હોય અને તેને યુવકે ગાળો બોલાવની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે અન્ય શખ્સો સાથે મળી ટ્રાવેલ્સનો પીછો કરી પથ્થર મારો કર્યો હતો જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી સાત  શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબીના પીપળી ગામના રહેવાસી ભાણજીભાઇ વરવાભાઇ ડાભીએ આરોપી ઇમરાનભાઇ ગગાભાઇ જામ, સદામ ગુલમહમદ ભટ્ટી તથા અન્ય 6 અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ગઇ તારીખ ૧૧ ના રોજ અમદાવાદ ખાતે રહેતા તેમના મોટા બહેન મંજુબેન સુરેશભાઇ હાડગરડાના ઘરે તેમના દિકરા રૂખડભાઇના લગ્ન હોય જેથી તારીખ ૧૧ના રોજ સવારના 10 વાગ્યે ભાણજીભાઇ તથા પરિજનો સહિત 50  લોકો ખાનગી ટ્રાવેલ્સની બસ GJ1 2BX7932માં પિપળીગામથી અમદાવાદ બહેનના ઘરે ગયા હતા. અને પ્રસંગ પુરો કરીને અમદાવાદથી પિપળી આવવા રવાના થયા હતા. તારીખ ૧૨ના રોજ રાત્રીના આશરે સવા બારેક વાગ્યે ચરાડવા ગામે પહોંચ્યા હતા અને ચરાડવા મોરબી રોડ ઉપર ધાવડી પેટ્રોલપંપની સામે, ખેતલા આપા ટી સ્ટોલ ખાતે ચા પીવા માટે ભાણજીભાઇ તથા અન્ય સાત-આઠ માણસો બસમાથી ઉત્તર્યા હતા. તેમાં એક અરજણભાઇ વાસાભાઇ બાંભવા પણ હતા ત્યાં તેમણે જોયેલ કે આરોપી ઇમરાન ગગાભાઇ જામ જાહેરમાં ગાળો બોલતો હોય. જેથી ભાણજીભાઇએ તેને ગાળો ન બોલવા જણાવેલ જેથી તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ એ સમયે અરજણભાઇ બાંભવા તેને ઓળખતા હોઇ જેથી આરોપી ઇમરાનને સમજાવી બધા મુસાફરો બસમાં બેસી ગયા હતા.બસ મોરબી જવા રવાના થયેલ અને ચરાડવા થી થોડેક આગળ કે.ટી.મીલ પાસે પહોંચતા ઇમરાને પાછળથી બાઇક લઇ આવી પોતાનું બાઇક બસની આગળ રસ્તા પર રાખી બસનો રસ્તો રોકી દિધેલ તેમજ એક અન્ય ફોર વ્હીલ બ્લુ કલરની મારુતી સુઝુકી સ્વિફટ ગાડી પણ બસની આગળ રસ્તા પર રાખી દિધેલ અને રસ્તો બ્લોક થઇ જતા ડ્રાઇવરે બસ ઉભી રાખી દિધેલ એવામાં ગાડી માંથી બાઇક પરથી માણસો હાથમાં લાકડીઓ અને લોખંડનો પાઇપ, લોખંડનું ધારીયુ જેવા હથિયારો લઇને બસની ફરતી બાજુ ઉભા રહી બસને ઘેરી લીધેલ. જેમાં ઇમરાન પોતાના હાથમાં લાકડી તથા આરોપી  સદામ ગુલમહમદ ભટ્ટીએ પોતાના હાથમાં લોખંડનું ધારીયુ લઇ આવી બંનેએ મળીને બસનો આગળનો કાચ હથિયાર વડે તોડી નાખ્યો હતો.

બંનેએ પોતાના હાથમાપથ્થરો વડે બસના અન્ય કાચ પણ તોડી નાખેલ અને બંને ગાળો બોલતા હતા અને ‘આજે તો બધાયને પતાવી જ દેવા છે’ એવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાં હાજર તેઓ સહીત 8 જેટલા લોકો પોતાના હાથમાં પથ્થરો વડે બસ પર પથ્થર મારો કરવા લાગેલ અને તેમાંથી એક ઇસમ બસની અંદ૨ પ્રવેશી ગયો હતો અને બસમાં બેસેલ નવઘણભાઇ ડાભી તથા રણછોડભાઇ ડાભીને લાકડી વડે માર મારેલ અને અરજણભાઇને પણ સદામે લાકડીના ધોકા વડે હાથમાં માર મારેલ બાદમાં આ બનાવની જાણ થતા આંદરણા ગામથી તેમના સગા વ્હાલા આવી જતા આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા.

જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપીઓને પકડવા સારૂ સર્વલન્સ ટીમ તથા એલ.સી.બી. અને  એસ.ઓ.જી. પોલીસની ટીમ સાથે પેટ્રોલીંગ કોમ્બીંગ કરી આરોપીઓ  સદામભાઇ ગુલમહમદભાઇ ભટ્ટી, ઇમરાનભાઇ ગગાભાઇ જામ તેમજ ગુન્હના કામે ઉપયોગ કરેલ એક બાઇક તથા બ્લુ કલરની ફોરવ્હીલ ગાડી તથા ગુનાના કામે ઉપયોગ કરેલ હથીયારો કબ્જે કર્યા હતા. પોલીસની સઘન પૂછપરછમાં અન્ય આરોપીઑના નામ ખૂલતાં પોલીસે યાસીનભાઇ હારૂનભાઇ જામ, વિજયભાઇ પરશોતમભાઇ સોલંકી, વિજયભાઇ વશરામભાઇ બજાણીયા, અલ્તાફ ફીરોજભાઇ ભટ્ટી, જાવેદવભાઇ નિજામભાઇ ભટ્ટીની સહિત તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat