


મોરબીના વાડી વિસ્તારમાં રહેતી પરિણીતા અને તેની બે દીકરીઓ આજે સળગી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી મોર ભગતની વાડીમાં રહેતા શીતલબેન દયારામ નામની પરિણીતાને સંતાનમાં એક જીન્ક્લ નામની સાડા ત્રણ વર્ષની દીકરી હોય અને થોડા દિવસો પહેલા બીજી દીકરીનો જન્મ થયો હતો. જે દરમિયાન આજે સવારે માતા શીતલ દયારામ, તેની સાડા ત્રણ વર્ષની દીકરી જીન્ક્લ અને ૧૩ દિવસની બીજી દીકરી એ ત્રણેય સળગી ઉઠી હતી ત્યારે પ્રથમ તો આ બનાવ આપઘાતનો હોય તેવું જણાયું હતું પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ મામલો કઈક ઓર નીકળ્યો હતો. પરિણીતાને સંતાનમાં એક દીકરી બાદ બીજી દીકરીનો જન્મ થયો હોવાથી તેના જ પતિ અને સસરાએ પરિણીતા અને તેની બંને દીકરીઓને આગ લગાવી સળગાવી દીધી હોવાના ગંભીર આક્ષેપો પણ જોવા મળ્યા હતા. બનાવ બાદ પતિ અને સસરા ફરાર છે. તો આ બનાવમાં માતા અને ૧૩ દિવસની દીકરીના મોત નીપજ્યા છે જયારે સાડા ત્રણ વર્ષની જીન્ક્લ સદનસીબે બચી જતા તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડાઈ છે .
બે દીકરી સાથે માતાના મોત મામલે મૃતક મહિલાના ભાઈ અમરશીભાઈ જીણાભાઇ કણઝારીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે શીતલબેનના પતિ દયારામ પરમાર, સસરા નરશી રવજી પરમાર અને સાસુ શારદાબેન પરમાર એ ત્રણેય તેને મ્હેણાં ટોણા મારી માનસિક ત્રાસ ગુજારતા તેની બહેને આપઘાત કર્યો હતો જયારે મૃતક પરિણીતાની નણંદ ઉર્મિલાબેન હડીયલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાભી મૃતક શીતલબેન પરમારે તેની બંને દીકરીઓને સળગાવી નાખી માસુમ દીકરીઓની હત્યા નીપજાવી હોય. પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ૩૦૬ તેમજ ૧૪૪ મુજબ તેમજ મૃતક મહિલા વિરુદ્ધ ૩૦૨ કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. તેમજ ફરાર પતિ તેમજ સાસુ-સસરા પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી પણ પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઈ છે.

