ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજાઈ

 

 

કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ દાતારની ઉપસ્થિતિમાં મોરબી ચૂંટણી તંત્ર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજવામાં આવેલી વિવિધ તાલીમ, વિવિધ બેઠકો, અધિકારીઓ/કર્મચારીને આપેલું માર્ગદર્શન તેમજ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે રેડ ચાર્ટ, સભા, વિવિધ ખર્ચ વગેરે અંગે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ઉપસ્થિત અધિકારી/કર્મચારીઓને સૂચના આપી હતી. ઉપરાંત તેમણે ૧ લાખથી વધુના કેશ ટ્રાન્જેક્શન પર બાજ નજર રાખવા પણ જણાવ્યું હતું.

 

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર દ્વારા ખર્ચ નિરીક્ષકને કચ્છ સંસદીય મતવિસ્તારમાં મોરબી જિલ્લાનો સમાવિષ્ટ વિસ્તાર, સર્વેલન્સ માટે બનાવવામાં આવેલી વિવિધ ટીમ તેમજ ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

 

આ બેઠકમાં મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, મીડિયા નોડલ ઘનશ્યામ પેડવા, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો સર્વલન્સ ટીમ, સ્ટેટીક સર્વલન્સ ટીમ, વિડીયો વ્યુઈંગ ટીમ સહિતની ટીમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Comments
Loading...
WhatsApp chat