ગુજરાતના ભવ્યાતિભવ્ય કલા-વારસાને કચકડે કંડારી કાયમી સંભારણા સ્વરૂપે સાચવતા ભાટી એન.

પેઈન્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ભાટી એન.એ પ્રસિધ્ધ ફોટોજર્નાલિસ્ટ તરીકેની નામના મેળવી

 

 

 

કહેવાય છે કે, એક તસવીરમાં જે વાત થઈ શકે તેનું વર્ણન હજાર શબ્દોથી પણ થઈ શકતું નથી. ત્યારે અહીં વાત કરવી છે એવા તસવીરી તાજ ભાટી એન.ની જેમણે ગુજરાતની ગરિમામયી સંસ્કૃતિ અને વન્યજીવનને કચકડે કંડારી ફક્ત ગુજરાત જ નહીં વિશ્વ સ્તરે પોતાનું અને મોરબીનું ગૌરવ વધાર્યુ છે. ફોટો જર્નાલિસ્ટ તરીકે જેમને સમગ્ર ગુજરાત ભાટી અને.ના હુલામણા નામે ઓળખે છે એવા ભાટી નંગાજી સવજીનો જન્મ ૦૧/૧૦/૧૯૬૨ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા ખાતે થયો હતો. થોડા વર્ષો ત્યાં રહ્યા બાદ તેમનો પરિવાર તેમના મૂળ વતન વાંકાનેર ખાતે સ્થાયી થયો હતો. એસ.એસ.સી. પાસ કરીને તેમણે પેઈન્ટર તરીકે કામગીરી શરૂ કરી વર્ષો સુધી સાઈન બોર્ડ બનાવવાનું કામ કર્યુ અને ત્યારબાદ કેમેરો લઈ લગ્નમાં ફોટો પાડવાનું શરૂ કર્યુ. હાથમાં આવેલા કેમેરાએ તેમના જીવનમાં એક અગત્યનો વળાંક લઈ આવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને ત્યાંથી શરૂ થઈ ભાટી એન.ની એક તસવીરકારની કલાત્મક કારકિર્દી.

એશિયાટીક લાયનની લીધેલી અસંખ્ય તસવીરોએ તેમને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તરીકે આગવી પ્રતિભા અપાવી. પ્રેસ ફોટોગ્રાફી કરીને ગુજરાતના પ્રાચિન સ્થળો, મહેલો, કુવા, તળાવ, કિલ્લા, પાળિયા, મકબરાની તસવીરો રવિવારની પૂર્તિઓ પર પ્રથમ પાને છપાવા લાગી. ગરવી ગુજરાતના ભવ્ય કલા અને વારસાના વિકાસ અને સંવર્ધનમાં પણ ભાટી એન.નો ફાળો રહ્યો છે. છેલ્લા ૪૦ વર્ષ કરતા વધુ સમયથી ફોટોગ્રાફી સાથે સંકળાયેલા ભાટી એન.ના કચકડે કંડારાયેલી અનેક તસવીરોને ગુજરાત અને ભારત સરકારના દસ્તાવેજીકરણમાં મહતવનું સ્થાન મળ્યું છે. માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત થયેલા મોરબીની ઓળખને પ્રસ્થાપિત કરતા ‘મોરબીની મહેક’, ‘વિકાસ વાટિકા’ પુસ્તક અને ગુજરાતની કલા સંસ્કૃતિ, મેળા, પહેરવેશ વગેરેને પ્રદર્શિત કરતા પુસ્તકો તેમજ પ્રદર્શનોમાં ભાટી એન.ની તસવીરોએ અલગ જ આભા ઉભી કરી છે.

વર્ષ ૨૦૧૧-૧૨માં ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા ભાટી એન.ને ‘ગુજરાત ગૌરવ’ (લલીતકલા એવોર્ડ)થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૬માં રાજકોટ ખાતે તેમને ‘મહારથી એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો. માહિતી વિભાગ દ્વારા પણ તેમને ‘ફોટો જર્નાલિસ્ટ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા તેમને એક્રેડિટેશન કાર્ડની સવલત પણ આપવામાં આવી છે. જે કાર્ડની મદદથી સમગ્ર ગુજરાતમાં તેઓ સરકારી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી ફોટોગ્રાફી કરી શકે છે તથા રેલ્વે અને સરકારી આરામ ગૃહો ખાતે પણ તેમને રાહત દરે પ્રાથમિકતા આપવામાં આવે છે.

કચ્છ – સૌરાષ્ટ્રના વિસરાયેરલા પરંપરાગત પહેરવેશનો ઇતિહાસ તેમણે લીધેલી તસવીરો આજે પણ સાચવીને બેઠી છે. ૧૯૯૭-૯૮ ના વર્ષમાં ડબલ્યુ.ડબલ્યુ.એફ.ના વોલ કેલેન્ડરમાં છપાયેલા નવ નિલ ગાયની તસવીરથી ભાટી એન.ને દેશ-વિદેશમાં પ્રસિદ્ધી મળી હતી. સૌરાષ્ટ્રનું કલાત્મક ગાડુ, સ્ત્રી પરિધાન કે રાજાના પોષાક, તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, માધવપુરના મેળા સહિતના ભાતીગળ મેળા, ડાન્સ કરતા ફ્લેમીંગોસ્  વગેરેના ફોટોનો તેમનો સંગ્રહ અદ્ભુત છે.

ગુજરાતમાં ૩ થી ૪ દાયકા પહેલા પડેલા દુષ્કાળ અને ૨૦૦૧ માં કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપના એ ભયાનક દ્રશ્યો એમણે કેમેરામાં કેપ્ચર કર્યા હતા. દુષ્કાળ વખતે ગામડાઓમાં જે સમસ્યાઓ હતી તેના માટે તેઓ ગામડે-ગામડે ફરીને ત્યાંની સમસ્યાઓને કેમેરા વડે કેપ્ચર કરી અંગ્રેજી અખબારોમાં ફોટો સ્ટોરી આપતા હતા. જેના પ્રત્યાઘાતરૂપે એ ગામના પ્રશ્નોને વાચા મળી અને સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. હાલ પણ તેમની ફોટો સ્ટોરીઓ ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના પ્રથમ અખબાર તરીકે પ્રસ્થાપિત થયેલા મુંબઈ સમાચારમાં છપાઈ રહી છે. ફોટોજર્નાલિસ્ટ તરીકે એક આગવી ઓળખ ઉભી કરનાર તસીવીરી કલાના મહારથી એવા ભાટી એન.એ ખરેખર મોરબી જિલ્લાનું ગૌરવ છે.

 

ફોટોજર્નાલિસ્ટ ભાટી એન.એ મેળવેલ આગવી સિધ્ધીઓ

 

 

  • ગુજરાત લલીતકલા અકાદમી દ્વારા‘ ગુજરાત ગૌરવ એવોર્ડ’ અપાયો
  • રાજકોટ ખાતે‘મહારથી એવોર્ડ’ મેળવ્યો
  • માહિતી વિભાગ દ્વારા‘ફોટો જર્નાલિસ્ટ તરીકે સન્માન કરાયું

 

This slideshow requires JavaScript.

 

Comments
Loading...
WhatsApp chat