



વાંકાનેરમાં GIDC રોડ ઉપર રફતારની ગતિમાં મોટર સાયકલ દિવાલ સાથે અથડાતા યુવકનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેરના નવાપરા GIDC માસીના ભઠ્ઠા પાસે રહેતા વીરજીભાઈ ચીકાભાઇ સાથળીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૫ના રોજ તેમનો દીકરો પ્રફુલ ઉર્ફે લાલો વીરજીભાઇ સાથળીયા પોતાનું CBZ મોટરસાયકલ GJ-03-EP-7897 લઈને ગામમાં આવતો હતો અને તેમની શેરીમાં રહેતો મયુર લગધીરભાઈ પણ તેના બાઇકની પાછલી સીટ પર સવાર હતો.બંને ગામમાં જતા હતા એ વખતે પ્રફુલ મોટરસાયકલ ચલાવતો હતો અને GIDCમાં નવાપરા રોડ ઉપરથી તેઓ પસાર થતા હતા ત્યારે રફતારની ગતિમાં મોટરસાયકલ પૂરપાટ જઈ રહ્યું હતું અને બ્રેક ન લાગતા મોટરસાયકલ દિવાલ સાથે અથડાયું હતું. જેમાં મોટરસાયકલ ચાલક પ્રફુલને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે મયુર પણ આ અકસ્માતમાં ઘાયલ થયો હતો. જે બાદ પ્રફુલને 108માં વાંકાનેરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં જમણા હાથે તથા શરીરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પ્રફુલને ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



