


વિશ્વ યોગ દિન નિમિત્તે મોરબી જિલ્લામાં ૮૫૦ યોગ નિદર્શન સ્થળો પર યોજાનાર યોગાસનના કાર્યક્રમમાં કુલ-૧.૨૬ લાખથી વધુ લોકો યોગાસનમાં જોડાશે. તેમાં મોરબી જીલ્લાનો યોગાસનનો મુખ્ય કાર્યક્રમ મોરબી ખાતેના એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે સવારે ૦૬ કલાકથી ગુજરાત રાજય બીન અનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ યોગાસનના કાર્યક્રમમાં ૬ હજાર થી વધુ લોકો જોડાઇ યોગાસનો કરશે. કલેકટર આર.જે. માકડીયાએ યોગાસનના કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા આહવાન કર્યું છે.
મોરબીના એલ.ઈ ગ્રાઉન્ડ ખાતે સવારે છ કલાકે ૨૧ મી જુન યોગ દિવસની થનાર ઉજવણી અંગેની વિગતો આપતા મોરબી પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીત વ્યાસે જણાવ્યું હતુ કે મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે યોજાનાર આ યોગાસનના મુખ્ય કાર્યક્રમમાં કુલ-૬ હજારથી વધુ લોકો કાર્યક્રમમાં જોડાશે. આમાં જિલ્લાની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, જુદી જુદી શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓના હોદેદારો, સભ્યો, નગરજનો, ગ્રામ્યજનો, ભાઇ-બહેનો તથા દિવ્યાંગજનો અને વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ મોટી સંખ્યામાં ભાગ લઇ યોગાસન કરશે.
આ કાર્યક્રમમાં નિષ્ણાંત યોગાચાર્યો ઉપસ્થિત રહી ઉપસ્થિત લોકોને યોગાસનો કરાવશે.આ સાથે મોરબીના મણીમંદિર ખાતેના ઐતિહાસિક યોગ-કેન્દ્રમાં પણ આજ સમયે અને તારીખે યોગાસનનો કાર્યક્રમ યોજાશે. યોગાસનના આ કાર્યક્રમો જાહેરજનતા માટે હોય કોઈ પણ લોકો કાર્યક્રમમાં જોડાઇ શકશે. યોગદિન નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તૈયારી હાલ શહેર જિલ્લાના જુદા જુદા યોગ કેન્દ્રમાં ચાલી રહેલ છે. જેમાં વિવિધ સંસ્થાઓ જેવી કે પતંજલી, સર્વસિધ્ધી યોગ,આર્ટ ઓફ લીવીંગ, ફીઝીયોફીટ ટીમના યોગાચાર્યો જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે. તેમ તેમણે જણાવ્યું હતું.
સાર્થક વિદ્યામંદિરમા વિશ્વ યોગદિન નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
વિશ્વ યોગદિન નિમિતે સાર્થક વિદ્યામંદિરમાં ત્રિવિધ કાર્યક્રમ જેમાં યોગ કેન્દ્રિય વિવિધ પ્રવૃતિ થશે. તા. 21 ના રોજ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધો.- 9 થી 12 ના ભાઈઓ જશે. તે ઉપરાંત લાઈફ મિશન દ્વારા આયોજિત યોગ શિબિર માં ધો.-8 ના ભાઈઓ જશે. તેમજ સાર્થક વિદ્યામંદિરના યોગ ગુરુઓ દ્વારા ધો.- 6 થી 12 ની વિદ્યાર્થિની બહેનોને યોગની તાલીમ આપવામાં આવશે. તેમ સંસ્થાના અગ્રણી કિશોરભાઈ શુક્લની યાદી જણાવે છે.

