


મોરબી પંથક અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક માસના સમયગાળામાં અનેક અકસ્માતો સર્જાયા હોય જેમાં નિર્દોષ માનવ જિંદગી હોમાઈ રહી છે ત્યારે અકસ્માતો નિવારવા માટે વિશ્વ હિંદુ પરિષદના જીલ્લા મંત્રીએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.
વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ જીલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા અને વધતી જતી અકસ્માતોની ઘટના નિવારવા માટે કેટલાક સૂચનો છે જેથી અકસ્માતોની સંખ્યા અમુક અંશે ઘટી જશે
જે સૂચનોમાં જણાવ્યું છે કે મોરબી રાજકોટ ફોરટ્રેકનું કામ ચાલુ છે જે ટંકારાથી મોરબી વચ્ચે કામ શરુ કરેલ નથી જે ચાલુ કરાવવું, મોરબી-નવલખી, મોરબી-હળવદ રોડ ફોરટ્રેક બનાવવા જરૂરી છે તેમજ ડિવાઈડરમાં સૂચક રંગોની આવશ્યકતા છે. મયુર બ્રીજ નીચે કોઝવે કામ પૂરું કરાવવું જે ઘણા સમયથી બંધ છે. ઝુલતા પુલ નીચે બેઠો પુલ બનાવવો, ઉમિયા સર્કલ-રવાપર ચોકડી, નટરાજ ફાટક, વીસીફાટક અને નવલખી ફાટક ખાતે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવા
તેમજ મોરબી નગર ફરતો બાયપાસ ૨ પ્રોજેક્ટ વહેલી તકે શરુ કરવો અને રીંગ રોડ બનાવવા સહિતના સૂચનો આપવામાં આવ્યા છે અને અકસ્માતો નિવારવા તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે.

