મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ૨૧ જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે 

 

 

આગામી 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘માનવતા માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી નું આયોજન થવાનું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. મોરબી જિલ્લા અને તાલુકામાં દરેક સ્થળે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે હાલ વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે.

મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લાકક્ષાના યોગા દિવસના કાર્યક્રમને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા મોરબીના જિલ્લા કલેકટરએ સલંગ્ન વિભાગોને સૂચન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત આ વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના રાજકીય અગ્રણીઓ, તમામ સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક સાહસિકો, નગરજનો તેમજ જિલ્લા તથા તાલુકાકક્ષાના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તે બાબત પર તેમણે ભાર મૂકયો હતો.

‘માનવતા માટે યોગ’ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ની ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, ગ્રામ્ય કક્ષા, વિવિધ વોર્ડ, શાળા-કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મોરબી જિલ્લાકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે. આ ઉપરાંત મોરબી તાલુકાકક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે યોજવામાં આવશે તેમજ વાંકાનેર તાલુકાકક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાશે અને હળવદ તેમજ માળિયા તાલુકાકક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજવામાં આવશે.

મોરબી જિલ્લા તેમજ તાલુકાકક્ષાના કાર્યક્રમની સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ શાળા- કોલેજમાં, તેમજ તમામ આરોગ્ય કેન્દ્રોમાં, જેલ કેમ્પસમાં, તમામ પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે.

 

Comments
Loading...
WhatsApp chat