મોરબીમાં મહિલા ખેડૂત પાક પરિસંવાદ અને શિબિરનું આયોજન કરાયું

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મંગળવારે મહિલા કૃષિ દિવસ નિમિત્તે મોરબી ટાઉનહોલ ખાતે મહિલા ખેડૂત પાક પરિસંવાદ અને શિબિરનું આયોજન કરાયું હતું. મોરબી કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ સ્થાનો પરથી મોટી સંખ્યામાં ખેડૂત બહેનોએ ભાગ લઇ આધુનિક ખેતીમાં મહિલાઓનો ફાળો તે અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

        મહિલા ખેડૂત પાક પરિસંવાદ અને શિબિરને સંબોધન કરતાં કલેક્ટર આર.જે. માકડીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સહિત મોરબી જિલ્લામાં ખેતી ક્ષેત્રે મહિલાઓનો ફાળો પણ અનન્ય છે. ખેતીના ઉત્પાદન થકી જ દેશનું અર્થતંત્ર જળવાઇ રહ્યું છે. દેશની ખેતી સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થશે. ખેતી આપણા સૌ માટે અનિવાર્ય અંગ છે તેથી ખેતીથી આપણે ક્યારેય વિમુખ ન થવું જોઇએ. આ સાથે તેઓએ ખેતીની જમીન દિવસેને દિવસે ઘટી રહી છે તેની પણ ચિંતા વ્યક્ત કરી હતી.

        પશુપાલન અને ખેતી બન્ને એકબીજાને પુરક છે તેથી કુંટુંબ પરિવારનો ઉદ્ધાર કરવો હોય તો ખેતીની સાથો સાથ પશુપાલન પ્રવૃતિને પણ પ્રાધાન્ય આપવું પડશે. પશુપાલન જેમણે પણ સ્વીકાર્યું છે તેમનો વિકાસ થયો છે. પશુપાલનથી દૂર ભાગીને આપણે પોતાના પગ પર કુવાડા મારવા સમાન કાર્ય કરી રહ્યા હોવાનો પણ કલેક્ટર આર.જે. માકડીયાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

        આ શિબિરમાં સ્થાનિક કોલેજની વિદ્યાર્થિનીઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી તેમને સંબોધતા કલેક્ટર આર.જે. માકડીયાએ જણાવ્યું હતું કે આજના સમયની વિદ્યાર્થિનીઓએ ટેક્નોલોજી મારફતે આધાનિક ખેતી તરફ ધ્યાન આપવું જોઇએ. શિબિરમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ, મહિલાઓ ખેતી અને પશુપાલન થકી અનેક ફાયદાઓ મેળવી શકે છે અને પોતાના પગ પર આર્થિક રીતે સ્વાવલંબન થઇ શકે  છે તેવો વિચાર વ્યક્ત કર્યો હતો.

        નાયબ પશુપાલન અધિકારી ડો. ડી.એ. ભોરણીયાએ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓ ખેડૂતો સાથે કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિ અંગે વિગતવાર સંવાદ સાધ્યો હતો. મહિલા ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા અને જૈવિક ખાતરનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. કૃષિ સંસ્કૃતિમાં જ આત્મ ગૌરવ અને આત્મ સન્માન હોવાનો પણ તેમણે મત વ્યક્ત કર્યો હતો.

        જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરાએ પરિસંવાદમાં મહિલા ખેડૂતોને વૈજ્ઞાનિકઢબે મહિલાઓને ખેતી કરવા તેમજ કૃષિ વિષયક જ્ઞાન મેળવવા હંમેશા તત્પર રહેવા જણાવ્યું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હેમાંગીબેન મહેતાએ જીવનયાત્રામાં ખેતીને પાયો ગણાવી આધુનિક સાધનો તેમજ  ટેકનોલોજી ઉપયોગ કરી સ્માર્ટ ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

        આ પ્રસંગે આત્માપ્રોજેક્ટના લાભાર્થીઓને સજીવ ખેતી અંગેની કીટનું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેતીવાડી શાખા, આત્મા, કૃષિ વિકાસ કેન્દ્ર તેમજ પશુપાલન શાખાના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat