



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી
રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાના અંતર્ગત મહિલાઓ આર્થિક સ્વાવલંબન થાય તે માટે મહિલા સ્વાંવલંબન દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રંસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ ઉપસ્થિત મહિલાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે સરકારે અનેક પ્રકારની યોજનાઓ બનાવી છે. આ યોજનાઓનો લાભ લઇ મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર થઇ શકે છે. વધુમાં કલેક્ટર આર.જે. માકડીયાએ ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની નેમ સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓમાં સ્કીલ ડેવલપ થાય, સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે પ્રકારે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો થઇ રહ્યા છે તેની પણ કલેક્ટર આર.જે. માકડીયા દ્વારા વિગતે છણાવટ કરી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના યોગેન્દ્ર પંડ્યાએ કુટીર ગ્રામ ઉદ્યોગની રોજગાર લક્ષી યોજનાઓમાં માનવ કલ્યાણ યોજના, બાજપાઇ બેન્કેબલ યોજના, દત્તોપંત ઠેંગણી વ્યાજ સહાય યોજના અને પીએમ ઇજીપી યોજનાની માહિતી આપીને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહિલા મોરચાના આગેવાન મંજુલાબેન દેત્રોજાએ જણાવ્યું હતું કે મહિલાઓની આંતરીક શક્તિ બહાર લાવવા માટે સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રના વિકાસમાં બહેનોનો અનન્ય ફાળો રહેલો છે. બહેનોમાં બચતના ગુણો હોવાથી મિશન મંગલમ તેમજ સખી મંડળો જેવી યોજનાઓ સરકાર દ્વારા અમલી બનાવાઇ છે જેનો લાભ લેવા પણ અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે મહિલાઓને સ્વચ્છતા પર વધુ ભાર મુકવા પણ જણાવાયું હતું.



