મોરબી પાલિકા તંત્રની આવડત સામે કેમ ઉઠ્યા સવાલો ? વિપક્ષની તીખી પ્રતિક્રિયા

 

મોરબી નગરપાલિકા વિસ્તારમાં સફાઈના અભાવે શહેર નર્કાગારમાં ફેરવાઈ ગયું છે ત્યારે પાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ પાલિકા તંત્રને આડેહાથ લીધું છે અને પાલિકાના વહીવટી અણ આવડત અંગે સવાલો ઉઠાવ્યા છે.

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય પ્રીતીબેન સરડવા અને કે.પી. ભાગિયાએ શહેરમાં ગંદકીના વધતા ગંજ મામલે શાસક પક્ષ પર સવાલો ઉઠાવ્યા છે જેમાં જણાવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં જાહેર રોડ પર કચરા પેટી મુકવામાં આવી છે આ કચરા પેટીમાં કચરો મહિનાઓ સુધી પાલિકાના વાહનો લેવા આવતા ના હોવાથી કચરાના મોટા ઢગલાઓ જોઇને વહીવટકર્તા ઢ છે કે શું તેવી લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે.

આ સમગ્ર દોષનો ટોપલો રોજમદાર સફાઈ કામદારોના શિરે નાખી કોન્ટ્રાકટરોએ વાહનોની હાલત ખરાબ કરી છે તેવું રટણ કરે છે અને વાહનોનું મેન્ટેનંસ ખર્ચ ઉઘરાવતી વેળાએ આ ભંગાર વાહનોનો ખ્યાલ ના આવ્યો કે પછી ટકાવારી આપી એટલે આંખ આડા કાન કર્યા તેવા સવાલો ઉઠાવ્યા છે.

તો નગરજનોની યાતનાને વાચા આપતા જણાવ્યું છે કે મોરબીવાસીઓના લલાટમાં કચરાના નિકાલની યાતના છવાયેલી રહેશે કે કોઈ કાયમી નક્કર ઉકેલ આવશે ખરો ? કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વસ્થ અભિયાનના બણગા ફુકે છે ત્યારે સ્વચ્છતા અભિયાનના મોરબી પાલિકાએ લીરેલીરા ઉડાવી દીધા છે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

 

Comments
Loading...
WhatsApp chat