


મોરબી પંથકમાં આવેલા સિરામિક એકમો ૨૪ કલાક ઉત્પાદન કરે છે. એક્સાઈઝ અને ટેક્સ મળીને અગાઉ ૧૭.૭ ટકા જેટલો ટેક્ષ સિરામિક ઉદ્યોગપતિઓ દરેક પ્રોડક્ટ પર ચુકવતા હતા છતાં ચીન સાથેની સ્પર્ધામાં ટકી રહેવા માટે સરકાર તરફથી કોઈ રાહત કે પ્રોત્સાહન મળશે તેવી આશા સેવવામાં આવી હતી જોકે કેન્દ્ર સરકારે જીએસટી બીલમાં સિરામિક પ્રોડક્ટને લક્ઝરી પ્રોડક્ટની કેટેગરીમાં એટલે કે ૨૮ ટકાના ટેક્ષ સ્લેબમાં મૂકી દેતા સિરામિક ઉદ્યોગ માટે નવી મુશ્કેલીઓ સર્જાઈ છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાનમાં શૌચાલય બનાવવાનું જે મિશન છે તે દરેક શોચાલય તેમજ દરેક ઘરોમાં ટાઈલ્સની જરૂરિયાત રહેતી હોય છે જે સામાન્ય લોકો માટે જીવનજરૂરી પ્રોડક્ટ હોવા છતાં સરકારે તેને જીએસટીમાં લક્ઝરી ચીજના ૨૮ ટકા સ્લેબમાં સમાવી છે. અગાઉ રાજ્યમાં માલના વેચાણ પર એક્સાઈઝ અને વેટ સહીત ૧૭.૭ ટકા ટેક્ષ ચૂકવવો પડતો હતો જે હવે વધીને ૨૮ ટકા પર પહોંચી જશે તો જીએસટી બીલમાં ૨૮ ટકા સ્લેબને કારણે સિરામિક ઉદ્યોગને કોઈ રાહત મળી નથી તેમજ ઉદ્યોગ માટે જીએસટી પ્રોત્સાહક સાબિત થયું નથી જેથી સિરામિક ઉદ્યોગપતિઓમાં નિરાશાનું વાતાવરણ સર્જાયું છે. ખાસ વાતચીતમાં સિરામિક એશો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે જો લેમિનેટસ પર ૧૮ ટકા ટેક્ષ લાગતો હોય તો સિરામિક પ્રોડક્ટને પણ ૧૮ ટકા સ્લેબમાં સમાવવી જોઈએ કારણકે સિરામિક પ્રોડક્ટ એ લક્ઝરી નહિ પરંતુ જીવન જરૂરી ચીજવસ્તુ છે.

