મોરબી પાલિકાની એક બેઠકની પેટા ચુંટણી : જાણો એક બેઠકનું ભાજપ-કોંગ્રેસ માટે શું છે મહત્વ ?

પેટા ચુંટણીમાં ભાજપે છ બેઠકો જીતી લેતા હાથ ઉપર કોંગ્રેસ આ બેઠક જીતે તો ટાઈ, ભાજપ જીતે તો સત્તા

મોરબી નગરપાલિકામાં સત્તાની ખેંચતાણ અને સત્તા પરિવર્તનના લાંબા દોર બાદ સ્થિર શાસન જોવા મળ્યું હતું જોકે દરમિયાન કોંગ્રેસના સાત બાગી સદસ્યોને ગેરલાયક ઠેરવતા તાજેતરમાં યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી લેતા સમીકરણો બદલી ગયા છે અને હવે બાકી રહેલી એક બેઠકની પેટા ચુંટણીની તારીખો જાહેર થઇ છે

મોરબી પાલિકાની ચુંટણીમાં ૫૨ માંથી ૩૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળ્યા છતાં બાગી સદસ્યોને લીધે કોંગ્રેસને સત્તાથી વંચિત રહેવું પડ્યું હતું તો બે ત્રણ વખતના સત્તા પરિવર્તન બાદ માંડ કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો જોકે અગાઉ બાગી સદસ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ થયેલી ફરિયાદને પગલે સાત બાગી સદસ્યો ગેરલાયક ઠેરવતા તાજેતરમાં પાલિકાની વોર્ડ નં ૦૨ સિવાયની બાકીની છ બેઠકોની પેટા ચુંટણી યોજાઈ હતી જે તમામ બેઠકો પર ભાજપે કબજો કર્યો હતો તો અગાઉ કોંગ્રેસ પાસે ૨૫ અને ભાજપ પાસે ૨૦ નું સંખ્યાબળ હતું તે પેટા ચુંટણી બાદ ૨૬ પર પહોંચ્યું છે

૫૨ બેઠક ધરાવતી મોરબી નગરપાલિકામાં ૨૭ નો જાદુઈ આંકડો પાર કરવા માટે એક બેઠક બાકી હતી તે વોર્ડ નં ૦૨ ની પેટા ચુંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે જેમાં ૮-૧૦ ના રોજ ચુંટણી નોટીસ અને જાહેરનામું પ્રસિદ્ધ થશે તો તા. ૧૩ સુધીમાં ઉમેદવારી પત્ર ભરી તેમજ ૧૫ સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ૨૮-૧૦ ના રોજ મતદાન યોજી ૩૦-૧૦ ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે

સામાન્ય રીતે એકાદ બેઠકની પેટા ચુંટણીનું મહત્વ રાજકીય પક્ષો માટે પણ હોતું નથી જોકે તાજેતરમાં પેટા ચુંટણીમાં છ બેઠકો ભાજપે જીતી લઈને ૨૬ સભ્યોનું સંખ્યાબળ મેળવી લીધું છે ત્યારે હવે આ બેઠક જો ભાજપ જીતી લે તો જાદુઈ આંકડો મેળવી લેશે બીજી તરફ જો આ બેઠક કોંગ્રેસ જીતે તો બંને પક્ષો ૨૬-૨૬ ના સંખ્યાબળ પર પહોંચી જશે એ સ્થિતિમાં પણ રસાકસીભરી સ્થિતિ જોવા મળશે જેથી માત્ર એક બેઠકની આં પેટા ચુંટણી મહાજંગ સમાન બની રહેશે જેને જીતવા બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવી દેશે

Comments
Loading...
WhatsApp chat