મોરબીમાં જળસંકટ, કલેકટરે નર્મદા કેનાલથી પાણી આપવા રાજ્યના અગ્રસચિવને પત્ર લખ્યો

મોરબી શહેર અને ગ્રામ્ય પંથકની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પીવાના પાણીનો જથ્થો ખુંટવા આવ્યો છે ત્યારે પરિસ્થિતિની ગંભીરતા પારખીને જીલ્લા કલેકટર દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી આપવા રાજ્યના અગ્ર સચિવને પત્ર પાઠવવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા કલેકટર આર.જે. માંકડિયાએ રાજ્યના પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી શહેર અને મોરબી-માળિયા જોડિયા જૂથ પાણી પુરવઠા યોજના માટે મચ્છુ ૨ ડેમમાંથી રોજ ૬૫.૦૦ એમ.એલ. પાણીનો જથ્થો લેવામાં છે આજરોજ જીલ્લા પાણી સમિતિમાં થયેલ વિગતવાર ચર્ચા ધ્યાને લેતા મચ્છુ ૨ ડેમમાં આજની તારીખે જીવંત જથ્થો ૨૨.૧૨ એમસીએફટી અને ડેડ જથ્થો ૧૨૪.૩૪ એમસીએફટી ઉપલબ્ધ છે ડેમના જથ્થામાં લોસેસ સાથે આશરે રોજની ૪ એમસીએફટી ની ઘટ આવે છે જે મુજબ જીવંત જથ્થો વધુમાં વધુ ૧૫ જુલાઈ સુધી લઈ શકાશે અને બાદમાં ડેડ સ્ટોરેજમાંથી પમ્પીંગ કરવાની ફરજ પડશે.

મોરબી નગરપાલિકા દ્વારા તા. ૦૭ થી ડેમમાં પાણીની ઉપલબ્ધી ધ્યાને લઈને એકાંતરા પાણી વિતરણ શરુ કર્યું છે જેથી શહેરીજનો તરફથી ફરિયાદો આવે છે અને આવનાર સમયમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય તેમ જણાય છે હાલ વરસાદ પડેલ ના હોવાથી મચ્છુ ૨ માં નર્મદા કેનાલ મારફતે પાણી નાખવાની ખુબ જરૂરિયાત ઉભી થઇ છે જેથી ૧૫ જુલાઈ પછી મોરબી શહેર અને જૂથ યોજનાના લાભાર્થી ગામોને પીવાનું પાણી નિયમિત પૂરું પાડી સકાય. મોરબી શહેર અને મો.માં.જો. જૂથ યોજનાના લાભાર્થી ગામોમાં પીવાના પાણી માટે ડેમ સિવાય વૈકલ્પિક વ્યવસ્થા ના હોવાથી નર્મદા કેનાલ મારફત મચ્છુ ડેમમાં પાણી ભરવાની તાકીદે જરૂર હોવાથી આપના સ્તરેથી ઘટતી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat