

મોરબી મહાનગરપાલિકાના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા ૧૨ થી ૧૫ દિવસથી પીવાના પાણીનું વિતરણ તદ્દન બંધ હોવાને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા અંગે કોંગ્રેસ નેતા મુકેશભાઈ ગામી દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક પાણી પુરવઠો પુનઃ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.


કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની જરૂરિયાત ખૂબ વધારે હોય છે, ત્યારે જ લાંબા સમયથી પાણી પુરવઠો બંધ રહેતા નાગરિકોને પીવાના તેમજ દૈનિક ઉપયોગના પાણી માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પાણી ન મળવાને કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની હાલત કફોડી બની છે અને લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. રજૂઆતમાં અપીલ કરાઈ છે કે તંત્ર દ્વારા મહેન્દ્રનગર વિસ્તારમાં પાણી બંધ રહેવાનું કારણ શોધીને તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે, તેમજ ભવિષ્યમાં આવી કટોકટી ફરી ન સર્જાય તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે.